ભાવનગર: મનપાના સભાખંડ બહાર વિરોધ કરતા મહિલા કોંગ્રેસના સભ્યોના હાથમાંથી પોલીસે લોલીપોપ છીનવી લીધા
મહાનગરપાલિકાની બજેટ બેઠક સભાખંડમાં ચાલુ હતી અને સાંજે પૂર્ણ થવાના સમયે શાસક પક્ષને મહિલા કોંગ્રેસે બહાર લોલીપોપ બતાવીને મજબૂત વિરોધ વ્યક્ત કર્યો હતો.

Published : February 27, 2026 at 10:42 PM IST
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં આજે સવારથી બજેટને પગલે સભાખંડની અંદર ચર્ચાનો દોર શરૂ થયો હતો. રાત્રી થતાં જ બજેટને સર્વાનુમતે મંજૂર કરવાની તૈયારી હતી, ત્યારે સભાખંડની બહાર બેઠેલા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોને જોઈને શાસકો ચોંકી જતા બાદમાં પોલીસને જાણ કરીને બોલાવવામાં આવી હતી. થોડો સમય માટે મહિલા કોંગ્રેસ પ્રમુખ સાથે રકઝક બાદ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
મહાનગરપાલિકાનું બજેટ સવારથી શરૂ હતું. રાત્રિના આઠ કલાકની આસપાસ સભાખંડની બહાર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો બેઠા હતા. શાસકોને ભણક લાગતા પોલીસને જાણ કરી દેવાઈ અને તાત્કાલિક પોલીસ બોલાવી લેવામાં આવી હતી. જો કે સભાખંડ બહાર બેઠેલા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોના વિરોધ કરવાની ગંધ આવતી હોવાને પગલે તમામને બહાર ખસેડવાનો પ્રયત્ન કરતા જ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા લોલીપોપ કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના ચોથા માળેથી લઈને નીચે સુધી કોંગ્રેસે સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો અને લોલીપોપ બતાવી હતી.

મહિલા કોંગ્રેસ દ્વારા કેમ કરાયો વિરોધ?
વિરોધ કરનાર મહિલા કોંગ્રેસ કાર્યકરો અને પ્રમુખે વિરોધ પાછળનું કારણ દર્શાવ્યું હતું. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દર્શનાબેને જણાવ્યું હતું કે, આજનો અમારો કાર્યક્રમ મહાનગરપાલિકાના બજેટમાં શું મળે છે તે માટે સવારથી જોયું કે ભાવનગરની જનતા માટે વિકાસના નામે છે લોલીપોપ. જેમ લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. ભાજપ પ્રજાને લોલીપોપ બતાવે છે. તેથી અમે આજે લોલીપોપ લઈને ભાવનગરની જનતાને કહીએ છીએ કે ભાજપ લોલીપોપ બતાવીને ઉલ્લુ બનાવી રહી છે.

મહિલા કોંગ્રેસના આક્ષેપો
દર્શનાબેને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને કશું નથી મળ્યું. શિક્ષણમાં કોંગ્રેસે મુદ્દા બતાવ્યા હતા આટલું ભાવનગરને મળવું જોઈએ કાંઈ મળ્યું નથી. મહિલા નિર્ભય રીતે જીવી શકે તેવું કાંઈ કર્યું નથી. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહી છે. મહિલાઓ માટે કશું કરવામાં આવ્યું નથી. વર્ષોથી એકમાત્ર મહિલા બાગ છે તે પણ પડતર હાલતમાં પડ્યો છે તેને લઈને પણ કશું કરવામાં આવ્યું નથી. જેથી અમે આજે લોલીપોપ બતાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:

