ETV Bharat / state

બનાસ નદીમાં વર્ષોથી જીવના જોખમે શિક્ષણની સફર કરતા વિદ્યાર્થીઓ, ખાતમુહૂર્ત કરીને તંત્ર બ્રિજ બનાવવાનું ભૂલ્યું?

વર્ષ 2022માં અહીંયા પુલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ આજે ત્રણ વર્ષથી વધુનો સમય થવા છતાં અહીંયા પુલ આજ દિન સુધી બન્યો જ નથી.

બનાસ નદી પર બ્રિજના અભાવે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર
બનાસ નદી પર બ્રિજના અભાવે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 7:06 AM IST

|

Updated : January 6, 2026 at 6:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા આસપાસના ગામના વિદ્યાર્થીઓ ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા પુલ બનાવવા માટેની ગામ લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ વર્ષોથી આ માંગણી અધ્ધરતાલ જ રહી છે. કારણ કે નેતાઓ ચૂંટણી ટાઈમે વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ વર્ષોના વહાણા વીત્યા છતાં આજદિન સુધી પૂરા થયા નથી. ખાસ વાત તો એ છે કે બ્રિજ બનાવવા માટે 2022માં ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પરંતુ બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ પણ થઈ નથી.

બનાસ નદી પર બ્રિજના અભાવે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર (ETV Bharat Gujarat)

7 ગામના વિદ્યાર્થીઓ-લોકોને સમસ્યા
અમીરગઢમાં આવેલા કાકવાડા અને તેની આસપાસના પાંચથી સાત જેટલા ગામોના વિદ્યાર્થીઓ બનાસ નદીમાંથી જ પસાર થઈને શાળાએ જાય છે. શાળાએ જવા માટેનો એકમાત્ર આ રસ્તો હોવાના કારણે બનાસ નદીમાંથી જ તેમને પસાર થવું પડે છે. જોકે બનાસ નદીમાં વહેતા પાણી આ બાળકો માટે ભયજનક બનતા હોય છે. ચોમાસામાં તો એક મહિના સુધી બાળકો શાળાએ જઈ શકતા નથી અને વધુ વરસાદ આવે ત્યારે પણ વાલીઓ બાળકોને લેવા અને મુકવા માટે જતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિ સામે જજુમી રહેલા ગામ લોકો અનેકવાર તંત્ર સરકાર અને સ્થાનિક નેતાઓ સમક્ષ પુલ બનાવવાની માંગ કરી ચૂક્યા છે. પરતું એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ અને નેતાઓને આ ગામ લોકોની રજૂઆતો સંભળાતી જ નથી.

અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન
અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન (ETV Bharat Gujarat)

રાત-દિવસ અહીંયાથી ચાલતા લોકો નદીમાં ચોમાસામાં કેડ સમા પાણીમાંથી પસાર થાય છે. એટલું જ નહીં વાહનો તેમાંથી પસાર કરવા પણ ભારે હાલાકી અહીંના લોકો ભોગવી રહ્યા છે. અમીરગઢના કાકવાડા આસપાસના ગામો હિલ સ્ટેશન માઉન્ટ આબુના નજીકના વિસ્તારો ગણવામાં આવે છે. જેથી આ ગામોમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ હોય છે. ત્યારે હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો ઠંડા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા માટે મજબુર બન્યા છે.

સ્થાનિક લોકોએ કહ્યું, અહીંયાથી પસાર થવામાં વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે. ઘણીવાર તો નદીમાં વાહનો ફસાઈ જતા લોકોને આવન જાવન કરવામાં પણ ભારે તકલીફો ઉઠાવવી પડે છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ પડે અને નદી બંને કાંઠે વહે ત્યારે આ ગામ લોકો નદી પાર કરીને બીજી તરફ આવી શકતા નથી અને 15થી 20 દિવસ સુધી તેઓ પોતાના ગામમાં જ રહેવા માટે મજબુર બનતા હોય છે. ત્યારે બાળકોનું શિક્ષણ પણ ખરાબ થાય છે.

અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન
અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન (ETV Bharat Gujarat)

સ્થાનિક અરવિંદ ઠાકોરે કહ્યું કે, વર્ષ 2022માં અહીંયા પુલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મોટા ઉપાડે તંત્ર અને સરકારે ગામ લોકોની સમસ્યાઓ સાંભળી હોવાનું કરી. હવે તેમની તકલીફો દૂર થશે વિશ્વાસ અપાયો હતો. પરંતુ વર્ષ 2022ને પણ આજે ત્રણ વર્ષથી વધુનો સમય થયો છે છતાં અહીંયા પુલ આજ દિન સુધી બન્યો જ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે સરકાર અને તંત્રએ પણ જાણે અહીંયા માત્ર દેખાડા પૂરતું ખાતમુહૂર્ત કરી રાજનીતિ કરી હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે જો હવે આગામી દિવસોમાં વહેલી તકે અહીંયા પુલ બનાવવાની માંગ પૂરી નહીં થાય તો ટૂંક જ સમયમાં અહીંના લોકો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ધરણાં કરશે તેવો લોકોએ ચીમકી પણ આપી છે.

અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન
અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન (ETV Bharat Gujarat)

આ અંગે માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર એમ.જે. ઠાકોરે કહ્યું, ઈસવાણી અને કાકવાડા ગામ વચ્ચે બનાસ નદી ઉપર અગાઉ ચાર કરોડના ખર્ચે કોઝવે મંજુર કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ગામ લોકોની કાયમી રસ્તાની માંગના કારણે હાલમાં અહીંયા બ્રિજ મંજૂર કરાયો છે. જે લોકોની દરખાસ્ત બાદ 19.50 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જોકે સર્વે કર્યા બાદ અંદાજિત ત્રીસ કરોડનો ખર્ચ બ્રિજ માટે થશે તેવો અંદાજ છે. જોકે આગામી દિવસોમાં આ બ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપી પૂર્ણ થાય તેવા અમારા પ્રયાસો છે.

વર્ષોથી પુલ બનાવવાની માંગ સાથે તંત્ર, સરકાર અને નેતાઓ સામે આજીજી કરતાં ગામ લોકોની આ માંગ પૂરી ન થતા કડકડતી ઠંડી હોય કે ભારે ચોમાસું હોય હાલતો બાળકો બનાસ નદીમાં જીવના જોખમે પસાર થઈને શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે. ત્યારે ગામે ગામ બાળકો ભણે અને શિક્ષણ મેળવે તે માટે પ્રવેશોત્સવ સહિત 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત'ના સૂત્રો પોકારતી સરકાર અને તંત્ર શું ખરા અર્થમાં આ બાળકોની વેદના સાંભળશે કે પછી આ જ રીતે આ બાળકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર થશે?

અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન
અમીરગઢના કાકવાડા આસપાસના ગામના લોકો પરેશાન (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. નવસારીમાં લોન અપાવવાની લાલચે ₹49.55 લાખની છેતરપિંડી: AAP નેતા સહિત બે વિરુદ્ધ ફરિયાદ
  2. સુરેન્દ્રનગર: NA જમીન કૌભાંડ મામલે ACBએ કરી SITની રચના, 6 અધિકારીઓ કરશે તપાસ
  3. ભાવનગરમાં નળ કનેક્શનને લઈને મહાનગરપાલિકાએ શું ઝુંબેશ શરૂ કરી? લોકોમાં ફફડાટ મચ્યો
Last Updated : January 6, 2026 at 6:05 PM IST