અમદાવાદના નિકોલમાં શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો, પોલીસ સુધી પહોંચ્યો મામલો
પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે ગ્રાઉન્ડમાં બેઠો હતો. દરમિયાન ઇંગ્લિશ મીડિયમના શિક્ષકે ત્યાં પહોંચીને કોઈ કારણ વગર વિદ્યાર્થીને ઊભો કરીને લાફો મારી દીધો.

Published : June 29, 2026 at 9:07 PM IST
અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પીટી પિરિયડ દરમિયાન એક શિક્ષકે જોરદાર લાફો મારતા તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પીટીના પિરિયડ દરમિયાન પીડિત વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે ગ્રાઉન્ડમાં બેઠો હતો. તે દરમિયાન ઇંગ્લિશ મીડિયમના શિક્ષક લક્ષ્મણ સર ત્યાં પહોંચ્યા અને કોઈ સ્પષ્ટ કારણ વગર વિદ્યાર્થીને ઊભો કરાવી જોરદાર લાફો મારી દીધો હતો. લાફો એટલો જોરદાર હતો કે વિદ્યાર્થીને તરત જ ડાબા કાને સંભળાવાનું બંધ થઈ ગયું અને તે રડવા લાગ્યો. વિદ્યાર્થીના પિતા રમેશભાઈને શાળામાંથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે તેમના દીકરાને લાફો વાગ્યો છે અને તે સતત રડી રહ્યો છે. પરિવાર શાળાએ પહોંચ્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક ENT સર્જન પાસે લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરે તપાસમાં કાનનો પડદો ફાટી ગયો હોવાનું, કાનમાં લોહી અને સોજો હોવાનું જણાવ્યું હતું. જો આગામી 8થી 10 દિવસમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો ઓપરેશન કરવાની જરૂર પડી શકે છે.
ઘટના બાદ વિદ્યાર્થીના વાલી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રસ્ટી મંડળ તેમજ શિક્ષક લક્ષ્મણ સરે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે. જોકે, વાલીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ભૂલ સ્વીકારી લેવાથી મામલો પૂર્ણ થતો નથી. વિદ્યાર્થીના પિતા રમેશભાઈએ માંગ કરી છે કે જો ભવિષ્યમાં તેમના દીકરાના કાનને લઈને કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા સંચાલન અને સંબંધિત શિક્ષકની રહેશે. આ અંગે તેઓએ લેખિત ખાતરી પણ માગી છે. સાથે જ જવાબદાર શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારવાની ઘટનામાં નોન-કોગ્નિઝેબલ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી શિક્ષક સામે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:

