જેતપુરમાં સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીની કરી હત્યા, માતાને બચાવવા વચ્ચે પડેલી દીકરી પર પણ કર્યો હુમલો
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં સામાન્ય ઘરેલુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી

Published : January 11, 2026 at 1:25 PM IST
જેતપુર: રાજકોટના જેતપુરમાં પારિવારિક ઝઘડાએ એક મહિલાનો જીવ લઇ લીધો છે. પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. માતાને બચાવવા વચ્ચે પડેલી દીકરી પર પણ તેના પિતાએ હુમલો કર્યો હતો જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુરમાં પારિવારિક ઝઘડાનો કરૂણ અંજામ
રાજકોટ જિલ્લાના જેતપુરના ભોજાધાર વિસ્તારમાં સામાન્ય ઘરેલુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી. આ લોહિયાળ ખેલમાં મતાાને બચાવવા વચ્ચે પડેલી પરિણીત દીકરી પર પણ તેના પિતાએ હુમલો કરતા તેને ઇજા થઇ હતી અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની વિગત જોઇએ તો જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પતિ અને પત્ની બન્ને પોતાની દીકરીના ઘરે આવ્યા હતા. આ દરમિયાન કોઇ કારણસર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી શરૂ થઇ હતી. જોત જોતામાં ઉગ્ર બનેલા ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને ગુસ્સામાં ભાન ભૂલેલા પતિએ આવેશમાં આવી જઇ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો.

મૃતક ગોરકીબેન ઉર્ફે રેખાબેન પર તેમના પતિએ હુમલો કરતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. આ ઝઘડા દરમિયાન પોતાની માતાને પિતાના રોષનો ભોગ બનતા જોઇ દીકરી રીતુબેન વચ્ચે પડ્યા હતા. જોકે, તેના પિતાએ સગી દીકરી પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્ની ગોરકીબેનનું નિધન થયું હતું.

ઘટના બાદ ઇજાગ્રસ્ત દીકરીને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, તેણીની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ જેતપુર સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઘટનાસ્થળનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:

