29 વર્ષનો સંઘર્ષ, અંતે ન્યાય: પત્નીનું 2025માં મૃત્યુ, પણ ઘરેલુ હિંસા કેસમાં પતિ-નણંદોને 3 વર્ષની કેદ
ફરિયાદી મહિલા કો-ઓપરેટિવ બેંકમાં નોકરી કરતી હતી. લગ્ન પછી સાસરીયાઓ તેના પર પૂરો પગાર ઘરમાં આપવાનો દબાણ કરતા.

Published : February 28, 2026 at 6:38 PM IST
અમદાવાદ: વર્ષ 1993માં થયેલા લગ્ન પછી શરૂ થયેલી ઘરેલું હિંસાની પીડાદાયક કહાનીને ન્યાય મળવામાં પૂરા 29 વર્ષ લાગી ગયા. વર્ષ 1996માં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયેલા કેસમાં હવે ચુકાદો આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે પતિ અને બે નણંદોને કુલ 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જોકે, ફરિયાદી પત્ની આ ન્યાયનો દિવસ જોઈ શકી નહીં—તેમનું વર્ષ 2025માં અવસાન થયું.
ફરિયાદી મહિલા કો-ઓપરેટિવ બેંકમાં નોકરી કરતી હતી. લગ્ન પછી સાસરીયાઓ તેના પર પૂરો પગાર ઘરમાં આપવાનો દબાણ કરતા. માનસિક અને શારીરિક ત્રાસ રોજિંદો બની ગયો હતો. બે વર્ષનો પુત્ર બીમાર પડતો ત્યારે પણ દવાના પૈસા આપવાને બદલે સરકારી દવાખાનામાં લઈ જવા કહેવામાં આવતું.
લગ્નની પહેલી રાતથી જ તણાવ શરૂ થયો હતો. પતિએ પત્નીના પિતાએ આપેલા સોનાના સેટ વિશે સવાલ ઉઠાવ્યો. સંતાનની જરૂર નથી એવી ટિપ્પણીઓ, અપમાનજનક વર્તન અને વારંવારનો ત્રાસ—આ બધું વર્ષો સુધી ચાલતું રહ્યું. એક સમયે તો સાસરીયાઓના ત્રાસથી મહિલાએ કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
પતિએ પત્નીનો ગર્ભપાત કરાવ્યો
આરોપ છે કે પતિએ એક વખત ગર્ભપાત પણ કરાવ્યો. સસરાએ વહુ પર અયોગ્ય વર્તન કરતાં તેનો હાથ પકડ્યો હતો. જ્યારે પત્નીએ પતિને ફરિયાદ કરી, ત્યારે પતિએ પોતાના પિતાનું જ સમર્થન કર્યું. પતિ AMTSમાં હેલ્પર કમ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. સમાધાનના પ્રયત્નો નિષ્ફળ રહ્યા—પિયરિયા તરફથી વાતચીત કરવાનો પ્રયાસ થાય ત્યારે પણ અપમાનજનક ભાષા વપરાતી.
મહિલાએ ન્યાય માટે 29 વર્ષ કોર્ટના ચક્કર કાપ્યા
એક વખત મારપીટ એટલી હદે પહોંચી કે પત્ની બેભાન થઈ ગઈ. તેની સારવારના મેડિકલ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થયા. ટ્રાયલ દરમિયાન 6 સાક્ષી અને 5 દસ્તાવેજી પુરાવા રજૂ થયા. કોર્ટએ નોંધ્યું કે ઘરેલું હિંસાના કેસોમાં મહિલાઓ ઘણીવાર ચૂપ રહે છે, ત્યારે આ ફરિયાદી મહિલા 29 વર્ષ સુધી કોર્ટના ચક્કર કાપતી રહી—જે પોતાના અંદર જ એક સંઘર્ષની ગાથા છે.
ટ્રાયલ દરમિયાન સાસુ-સસરાનું અવસાન થયું હતું. અંતે કોર્ટે પતિ અને બે નણંદોને 3 વર્ષની કેદ ફટકારી. નોંધનીય છે કે પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા અને તેને બે પુત્રો છે.
'ન્યાય મોડો મળ્યો, પરંતુ મળ્યો'
ફરિયાદી મહિલાના પરિજનોએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે “અમારી દીકરીએ આખી જિંદગી સંઘર્ષમાં કાઢી. 29 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા, પણ હાર માન્યા વગર લડતી રહી. આજે ચુકાદો આવ્યો છે, પણ તે આ દિવસ જોવા જીવતી નથી. ન્યાય મોડો મળ્યો, પરંતુ મળ્યો—એ જ અમારો સંતાપ ઓછો કરે છે.”
પરિજનોએ વધુમાં જણાવ્યું કે, દીકરીએ પોતાના માતા-પિતાના ઘરે રહી એકના એક પુત્રનો ઉછેર કર્યો. તેમણે ઉમેર્યું કે, “જે દીકરાની દવા માટે પણ સાસરીયા પૈસા આપતા નહોતા, આજે એ દીકરો વકીલ બન્યો છે. એ જ અમારી દીકરીની સૌથી મોટી જીત છે.”
29 વર્ષનો આ સંઘર્ષ માત્ર એક પરિવારની કહાની નથી, પરંતુ સમાજ માટે સંદેશ છે—ઘરેલું હિંસા સામે અવાજ ઉઠાવો. ન્યાય મોડો પડી શકે, પરંતુ જો હિંમત અને સત્ય સાથ હોય તો અંતે ન્યાય મળે જ છે.
આ પણ વાંચો:

