ETV Bharat / state

નવસારીના જલાલપોરમાં NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડ બનાવાયું; મામલતદાર કચેરીના ID-પાસવર્ડનો દુરુપયોગ; એકની ધરપકડ

નવસારીના જલાલપોરમાં મામલતદાર કચેરીના IDનો ખોટો ઉપયોગ કરી NRI મહિલાનું ગેરકાયદેસર આધાર કાર્ડ બનાવવામાં આવતા વિવાદ

જલાલપોરમાં NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડને લઇ એક શખ્સની ધરપકડ
જલાલપોરમાં NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડને લઇ એક શખ્સની ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 4, 2026 at 12:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજી પ્રક્રિયામાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. બિન-નિવાસી ભારતીય (NRI) મહિલાએ સરકારી નિયમોને બાયપાસ કરી ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં મામલતદાર કચેરીના Service Plus Portalના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો ગેરવપરાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા ટાઉન પોલીસે આધાર કાર્ડ ઓપરેટરની ધરપકડ કરી છે, જ્યારે સુપરવાઇઝર તરીકે કામ કરતો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે.

મામલતદાર દ્વારા નોંધાવાઈ ફરિયાદ

જલાલપોરના મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃણાલદાન ઘનશ્યામદાન ઈસરાણી દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, જલાલપોર તાલુકાના કોલાસણા ગામની એક મહિલા, પ્રતિક્ષાબેન સંજયભાઈ પટેલ, જે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)માં વસવાટ કરે છે, તેણે ખોટા દસ્તાવેજો રજૂ કરીને આધાર કાર્ડ મેળવ્યું હતું. સરકારી નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિએ આધાર કાર્ડ મેળવવા માટે છેલ્લા એક વર્ષમાં ટુકડે-ટુકડે અથવા સતત ઓછામાં ઓછા 182 દિવસ ભારત દેશમાં નિવાસ કર્યો હોવો ફરજિયાત છે. પરંતુ તપાસમાં ખુલ્યું કે પ્રતિક્ષાબેન માત્ર 25 દિવસ જેટલો સમય જ ભારતમાં રોકાયા હતા.

જાગૃત નાગરિકની અરજીથી થયો ખુલાસો

મામલતદાર કચેરીને તા. 18/08/2025ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિક તરફથી લેખિત અરજી મળી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે વિદેશમાં વસતા હોવા છતાં પ્રતિક્ષાબેનનું આધાર કાર્ડ ગેરરીતે બની ગયું છે, જે સરકારી માર્ગદર્શિકાનો સ્પષ્ટ ભંગ છે.આ અરજીના આધારે મામલતદાર કચેરી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

તપાસમાં બહાર આવ્યો સમગ્ર કૌભાંડ

સર્કલ ઓફિસર ચંદ્રેશસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસ દરમિયાન કોલાસણા ગામના તત્કાલિન તલાટી-કમ-મંત્રી, સરપંચ તેમજ અરજદારના સગા મયંકભાઈ મિસ્ત્રીના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે પ્રતિક્ષાબેન માત્ર 25 દિવસ માટે જ ભારતમાં રહ્યા હતા અને ત્યારબાદ વિદેશ પરત ગયા હતા. સરકારના તા. 03/03/2023ના ઠરાવ મુજબ, 182 દિવસનું નિવાસ ન હોવાથી પ્રતિક્ષાબેન આધાર કાર્ડ મેળવવા પાત્ર નહોતા. તલાટી-કમ-મંત્રીએ પણ તા. 03/07/2025ના રોજ રિપોર્ટ આપીને જણાવ્યું હતું કે અરજદાર હાલ વિદેશમાં હોવાથી તેમની ખરાઈ શક્ય નથી અને તેથી ‘એનેક્ષર-01 નેગેટિવ’ ભરવામાં આવ્યું હતું.

Service Plus Portalનો ગેરકાયદે ઉપયોગ

આધાર કાર્ડની તમામ પ્રક્રિયા સરકારના Service Plus Portal મારફતે થાય છે, જેના યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મામલતદાર કચેરીને ફાળવવામાં આવે છે. તપાસમાં બહાર આવ્યું કે આધાર કાર્ડ એજન્સીના સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુએ આ સરકારી લોગ-ઈન વિગતો ગેરકાયદેસર રીતે મેળવી હતી.હરીશ રાજ્યગુરુએ મામલતદાર કચેરીના યુઝર આઈ.ડી.થી પોર્ટલમાં લોગ-ઈન કરીને ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હતા અને અરજીને વેરીફાય તથા એપ્રૂવ કરી હતી. આશ્ચર્યજનક રીતે, પોર્ટલના રેકોર્ડ મુજબ તા. 30/06/2025ના રોજ બપોરે 15:43:24 કલાકે વેરીફિકેશન રિપોર્ટ તૈયાર થયો અને માત્ર એક સેકન્ડમાં જ અરજીને એપ્રૂવ પણ કરી દેવામાં આવી હતી.

દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતા

પ્રતિક્ષાબેને આધાર નોંધણી ફોર્મમાં પોતે નિવાસી ભારતીય હોવાનું દર્શાવ્યું હતું. પાન કાર્ડ અને અરજી ફોર્મ પરની સહીઓમાં સ્પષ્ટ વિસંગતતા જોવા મળી હતી. નિયમ મુજબ તલાટી દ્વારા તપાસ કરાયેલ સહીવાળું ‘એનેક્ષર-01’ અપલોડ થવું જરૂરી હતું, પરંતુ તેની જગ્યાએ અધૂરી માહિતીવાળું અને માર્જિનમાં કપાયેલું અન્ય ફોર્મ અપલોડ કરાયું હતું.આ ઉપરાંત, આધાર નોંધણી દરમિયાન પ્રતિક્ષાબેને પોતાની રેટીના અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવ્યા હતા તેમજ ફોટો પડાવ્યો હતો, જેમાં તેઓએ બિન-નિવાસી હોવા છતાં પોતાને નિવાસી ભારતીય તરીકે રજૂ કર્યા હતા.

લાંચનો પણ ખુલાસો

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું કે આધાર કાર્ડ બનાવવાના બદલામાં આરોપી શહેજાદ શબ્બીર શેખે મહિલા પાસેથી રૂ. 7,000ની લાંચ લીધી હતી. શહેજાદે આ કામ માટે પોતાના સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુ સાથે મળીને સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર રીતે પૂર્ણ કરી હતી.

આરોપીઓ સામે ગુનો દાખલ

પટેલ પ્રતિક્ષાબેન સંજયભાઈ– બિન-નિવાસી હોવા છતાં ખોટા પુરાવા રજૂ કરીને અને તે ખોટા હોવાનું જાણતા હોવા છતાં તેનો ઉપયોગ કરવો.

શહેજાદ શબ્બીર શેખ – Service Plus Portalના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો અપલોડ કરવા.

હરીશ રાજ્યગુરુ – સરકારી પોર્ટલમાં ગેરરીતે લોગ-ઈન કરી અરજીને વેરીફાય અને એપ્રૂવ કરવી.

આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 336(2), 336(3), 337, 338, 340(2), 45 તથા ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 43, 63 અને 66(સી) હેઠળ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

"આધારકાર્ડ ઓપરેટર તરીકે કામ કરતા નવસારીના મુરોલી બજારમાં રહેતા શહેજાદ શબ્બીર શેખની ધરપકડ કરવાામાં આવી છે અને સોમવાર સુધીના રિમાન્ડ પર લેવાામં આવ્યો છે. શહેજાદે મહિલાના દસ્તાવેજો તૈયાર કરવામાં સહાય કરી હોવાનું અને સુપરવાઇઝર હરીશ રાજ્યગુરૂ સાથે સાંઠગાંઠ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે." અશ્વિન સરવૈયા, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર

આ પણ વાંચો: