ETV Bharat / state

અમરેલીમાં માનવ-સિંહ સંઘર્ષ ચિંતાજનક સ્તરે, એક મહિનામાં 3નાં જીવ લીધા, 2016થી 2026 સુધીમાં 12 માનવોને ફાડી ખાધા

રાજુલા કોસ્ટલ બેલ્ટ, જાફરાબાદ, ધારી, ખાંભા, સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના કુલ 11 તાલુકાઓમાંથી 8 તાલુકાઓમાં સિંહોની કાયમી હાજરી નોંધાઈ રહી છે.

અમરેલીમાં માનવ-સિંહ સંઘર્ષ ચિંતાજનક સ્તરે
અમરેલીમાં માનવ-સિંહ સંઘર્ષ ચિંતાજનક સ્તરે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 16, 2026 at 4:56 PM IST

4 Min Read
Choose ETV Bharat

અમરેલી: એક સમયે ગીરના જંગલો સુધી મર્યાદિત રહેનાર એશિયાટિક સિંહો હવે ધીમે ધીમે ગીરના સીમાડા છોડીને રેવન્યુ વિસ્તારોમાં પોતાનું કાયમી રહેઠાણ બનાવી રહ્યા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યા સાથે હવે માનવ અને સિંહો વચ્ચેનું ઘર્ષણ પણ સતત વધી રહ્યું છે. રાજુલા કોસ્ટલ બેલ્ટ, જાફરાબાદ, ધારી, ખાંભા, સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના કુલ 11 તાલુકાઓમાંથી 8 તાલુકાઓમાં સિંહોની કાયમી હાજરી નોંધાઈ રહી છે.

તાજેતરમાં 12 જૂનના રોજ બગસરા તાલુકાના ઘંટિયાળા ગામે 7 વર્ષના દિનેશ નામના બાળકને સિંહણે હુમલો કરી ફાડી ખાધો હતો. આ ઘટનાને હજુ ચારથી પાંચ દિવસ પણ પૂર્ણ થયા નથી ત્યાં વધુ એક કરુણ બનાવ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક બન્યો હતો.

માહિતી મુજબ પ્રકાશ ચંદ્ર નામનો યુવક, જે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, તે મોડી રાત્રિના સમયે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સિંહણે તેના પર હુમલો કરી શિકાર કર્યો હતો. ઘટનાસ્થળેથી શરીરના અવશેષો અને માત્ર ખોપરી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.

અમરેલીમાં માનવ-સિંહ સંઘર્ષ ચિંતાજનક સ્તરે (ETV Bharat Gujarat)

સિંહો કેમ માનવ વસાહત તરફ આવી રહ્યા છે?
વન્યજીવ નિષ્ણાતો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સિંહો હવે પોતાની નવી ટેરિટરી ગ્રામ્ય વિસ્તારોમાં ઉભી કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની માનવ વસાહતો નજીક પાણી અને ખોરાકની સરળ ઉપલબ્ધતા હોવાથી સિંહો સતત ગામડાંઓ તરફ આવી રહ્યા છે. ગામોમાં પાલતુ પશુઓનો શિકાર સિંહોને સરળતાથી મળી રહે છે, જ્યારે જંગલમાં તેમને વધુ કઠિન પરિસ્થિતિમાં શિકાર મેળવવો પડે છે. જેના કારણે સિંહો હવે વારંવાર માનવ વસાહતો તરફ આકર્ષાઈ રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે માનવ પર હુમલાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રણ ગંભીર બનાવો સામે આવ્યા છે જેમાં સિંહોએ માનવોને જીવલેણ રીતે ફાડી ખાધા હોવાની ઘટનાઓએ સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ઊભો કર્યો છે.

છેલ્લા 10 વર્ષોમાં સિંહના હુમલાના કેટલા બનાવો બન્યા?

અમરેલીમાં સિંહના માનવ પર હુમલાની ઘટનાઓ
અમરેલીમાં સિંહના માનવ પર હુમલાની ઘટનાઓ (Canva)

કોવાયા ગામની ઘટના બાદ વનવિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું હતું. DCF ચિરાગ અમીનના આદેશ બાદ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પુરવામાં સફળતા મળી હતી. હુમલા સમયે અન્ય સિંહોની હાજરી હોવાથી વનવિભાગે વધુ રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાએ સિંહના હુમલાથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લાનો રાજુલા-જાફરાબાદનો વિસ્તાર છે તે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ અહીં એટલી જ છે. તો જ્યારે પણ આવી કોઈ સિંહની અવરજવર જોવા મળે, ઓડ ટાઇમે અવરજવર જોવા મળે છે ત્યારે અમારે ટોલ ફ્રી નંબર 1926 પર જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ પર મદદ માટે પહોંચી જશે. યુવાધન જેમને સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને તેના લીધે આવેશમાં આવીને નજીક જતા રહે ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સ વધી જાય છે. મારી સૌને અપીલ છે કે સોશિયલ મીડિયામાં શેર કરવાની લાલચમાં સિંહની નજીક જઈને રિસ્કવાળું કામ ન કરે તેવી મારી અપીલ છે. અવાવરૂ વિસ્તારમાં મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ કે લાકડી લઈને નીકળશે તો સેફ્ટી વધારે રહેશે.

ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો

સમગ્ર ગુજરાતમાં 2025ની ગણતરી પ્રમાણે કુલ 891 એશિયાટિક સિંહો નોંધાયા હતા, જે 2020ની 674 સંખ્યાની સરખામણીએ નોંધપાત્ર વધારો છે. 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ સમગ્ર ગુજરાતમાં 891 સિંહો નોંધાયા છે, જેમાં અમરેલી જિલ્લો 257 સિંહો સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે.

અમરેલીમાં સિંહોની સંખ્યા
અમરેલીમાં સિંહોની સંખ્યા (Canva)

છેલ્લી એટલે 2025ની એશિયાટિક લાયન સેન્સસ (વસ્તી ગણતરી) પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ છે. અમરેલી જિલ્લામાં કુલ 257 સિંહો નોંધાયા હતા. વિગત પ્રમાણે તેમાં અંદાજે: જોઈએ તો પુખ્ત નર સિંહ: 82, પુખ્ત માદા (સિંહણ): 117, સબ-એડલ્ટ: 6, બચ્ચાં (કબ્સ): 79 છે.

આ મામલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિનો સિંહ દ્વારા શિકાર થવો ખૂબ દુઃખદ બાબત છે. સિંહોની વધતી સંખ્યા સારી બાબત છે પરંતુ માનવ જીવન જોખમમાં મુકાય તે ચિંતાજનક બાબત છે. તેમણે રાજ્ય સરકારને પત્ર લખી વનવિભાગમાં સ્ટાફ અને ટ્રેકરોની સંખ્યા વધારવાની માંગ કરવાની જાહેરાત કરી છે.

સ્થાનિક સરપંચો, ગ્રામજનો અને પ્રકૃતિપ્રેમીઓ પણ લાંબા સમયથી એવી માંગ કરી રહ્યા છે કે, હાલના સ્ટાફમાં વધારો કરવામાં આવે અને ખાસ કરીને ટ્રેકરોની સંખ્યા વધારવામાં આવે. સિંહોની બાબતોના જાણકાર હિમાંશુ ભટ્ટે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ દીઠ ઓછામાં ઓછા પાંચથી છ ટ્રેકરોની નિમણૂક કરવામાં આવે તો સિંહોની હિલચાલ ઉપર સતત નજર રાખી શકાય અને આવા હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને.

હાલ ગીર વિસ્તાર બહાર વધતી સિંહોની સંખ્યા એક તરફ ગુજરાત માટે ગૌરવની બાબત છે, પરંતુ બીજી તરફ વધતો માનવ-સિંહ સંઘર્ષ હવે વનવિભાગ અને સરકાર માટે ગંભીર પડકાર બની રહ્યો છે.

આ પણ વાંચો:

  1. VIDEO: અમરેલીમાં શ્વાનનો શિકાર કરવા દોડતી સિંહણ કૂવામાં ખાબકી, 5 કલાક સુધી શ્વાન-સિંહણ સામસામે રહ્યા
  2. 'સફારી સુપરહિટ' છેલ્લાં 9 મહિનામાં સાસણ ગીર-દેવળિયામાં 10 લાખ પ્રવાસીઓએ સફારીની મોજ માણી
  3. સાસણ ગીરમાં સફારીનો સમય લંબાવાયો, ચાલુ સીઝનમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા