હોળીના તહેવારને લઈને અમદાવાદના કાલુપુરમાં ભારે ભીડ, હર્બલ કલર, ઈલેક્ટ્રિક પિચકારની બજારમાં માંગ વધી
હોળી-ઘૂળેટીના તહેવારોના હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં અમદાવાદના કાલુપુર માર્કેટમાં પિચકારીઓ અને ધૂળેટીના તહેવારમાં રમવા માટેના કલરની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જામી.

Published : March 2, 2026 at 7:11 PM IST
અમદાવાદ: અમદાવાદમાં હોળી અને ધુળેટીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાલુપુરના જૂના બજારમાં હર્બલ કલર, પિચકારીઓ અને ફુગ્ગાઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. બજારમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે ખરીદી ધમાકેદાર ચાલી રહી છે.
વેપારી સલીમભાઈએ જણાવ્યું કે, કાલુપુર બજાર ખૂબ જ જૂનું છે અને અહીં દરેક તહેવાર માટે અલગ-અલગ વસ્તુઓ મળે છે. આ વખતે હોળી માટે તમામ પ્રકારની પિચકારીઓ અને હર્બલ કલર વેચાઈ રહ્યા છે. 10 કિલો હર્બલ કલર માત્ર 150 રૂપિયામાં મળી રહ્યા છે. પિચકારીઓ 50 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની છે. બાળકોમાં ડોરેમોન, છોટાભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, ક્રિકેટર, ચશ્મા અને ટેન્ક જેવી ડિઝાઇનની પિચકારીઓનો મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ગ્રાહક ગોવિંદભાઈએ કહ્યું કે, તેઓ કાલુપુરમાંથી પિચકારી, ફુગ્ગા અને રંગબેરંગી કલર લઈને આવ્યા છે. હોળીમાં મજા આવશે અને ધમધમાટથી તહેવાર મનાવશે. બીજા ગ્રાહક રમેશચંદ્રે જણાવ્યું કે, અહીં સારા ભાવે બધી વસ્તુઓ મળે છે. તેઓ પરિવાર સાથે હોળી રમશે અને ખુબ મોજ કરશે.
વેપારી હમઝાભાઈએ કહ્યું કે, આ વખતે નવી ડિઝાઇનની પિચકારીઓ આવી છે જેમ કે કુલ્હાડી, હથોડી, ગઘા, ફાવડા, બાંસુરી અને ખાસ કરીને ઈલેક્ટ્રિક પિચકારીઓનો ક્રેઝ વધ્યો છે. બે તરફથી પાણી છોડતી પિચકારીઓની બજારમાં ખૂબ ડિમાન્ડ છે. આ પિચકારીઓ 100 થી 600 રૂપિયા સુધીની વેચાઈ રહી છે.

આ વર્ષે કાલુપુર બજારમાં હોળીની ખરીદી ખૂબ સારી રહી છે. લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે અને તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો:

