રાળના અજવાળે શ્રીકૃષ્ણને શોધતી ગોપીઓ, કૃષ્ણ અને ગોપીની વિરહની આ ઘટનાનું સાક્ષી બન્યું હતું જુનાગઢ
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી આ પરંપરામાં ગાઢ જંગલની વચ્ચે મધ્ય રાત્રે રાળના અજવાળે ગોપીઓ શ્રીકૃષ્ણને શોધવા માટે જતી હોય છે.

Published : March 2, 2026 at 1:29 PM IST
જૂનાગઢ: રાળ ઉત્સવ હોળીના દિવસોમાં આ સનાતન પરંપરા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના વિરહની જ્વાળા રૂપે પણ રાળ ઉત્સવ વૈષ્ણવ પંથી હવેલીઓમાં મનાવવામાં આવતો હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી આ પરંપરામાં ગાઢ જંગલની વચ્ચે મધ્ય રાત્રે રાળના અજવાળે ગોપીઓ શ્રીકૃષ્ણને શોધવા માટે જતી હોય છે. કૃષ્ણ અને ગોપીની વિરહની આ ઘટનાનું સાક્ષી જુનાગઢ વાસીઓ પણ બન્યા હતા. રાધા દામોદરજી મંદિરે રાળ ઉત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ રાળના અજવાળે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરી હતી.
શ્રીકૃષ્ણ અને ગોપીઓના વીરહનો પ્રસંગ એટલે રાળ ઉત્સવ
હોળીના દિવસોમાં રાળ ઉત્સવ વૈષ્ણવ પંથી હવેલીમાં ખૂબ જ મહત્વના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. રાળ ઉત્સવને ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના વિરહના પ્રસંગને લઈને ખાસ ઉજવવામાં આવે છે. રાધા દામોદરજી મંદિરે રાળ ઉત્સવનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ પંથીઓએ ભાગ લીધો હતો.

ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીના વિરહ વચ્ચે ઉદભવેલી વેદના
રાળમા અગ્નિ પ્રજ્વલિત કરવા માટે ગુલાલ અને અબીલનો ઉપયોગ થાય છે. જે સળગતા લાકડા પર ફેંકવામાં આવતા તેમાંથી જે અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેને ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીના વિરહ વચ્ચે ઉદભવેલી વેદના રૂપે પણ ઓળખવામાં આવે છે. જેના દર્શન કરવા માટે હવેલી પંથિઓ ખૂબ મોટી સંખ્યામાં રાધા દામોદરજી મંદિર દામોદર કુંડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રાળના ઔલોકિક દર્શન પણ કર્યા હતા.

શ્રી કૃષ્ણના સમયની ધાર્મિક ઘટના
ભગવાન શ્રીકૃષ્ણના સમયથી રાળ ઉત્સવ પરંપરાગત રીતે મનાવવામાં આવે છે, જેની પાછળ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચે વિરહની વેદના વ્યક્ત કરવા માટે પણ આ ઉત્સવ મહત્વનો માનવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને ખૂબ લાંબા સમય સુધી મળતા નથી, ત્યારે રાત્રિના સમયે ગોપીઓ દ્વારા રાળના અજવાળે ભગવાન શ્રીકૃષ્ણને શોધવાની અને તેને પામવાનો પરંપરાગત પ્રયાસ કર્યો હતો.

રાળના અજવાળે ભગવાન શ્રીકૃષ્ણને શોધતી ગોપીઓ
જેમાં ગોપીઓ રાળના અજવાળે ભગવાન શ્રીકૃષ્ણને શોધતી હોય છે. ધર્મની સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આ સમય મહત્વનો માનવામાં આવે છે, આ સમય દરમિયાન વાતાવરણમાં બીમારીજન્ય વાઈરસ અને બેક્ટેરિયાનું અસ્તિત્વ પણ જોવા મળતું હોય છે. જેથી રાળના સ્વરૂપે પ્રજ્વલિત થતી અગ્નિથી આવા બેક્ટેરિયા અને વાઇરસને પણ વાતાવરણ માંથી દૂર કરવાની એક તક પ્રાપ્ત થાય છે. જેથી પણ રાળ ઉત્સવ ખૂબ જ મહત્વનો પ્રસંગ વૈષ્ણવ પંથી લોકોમાં માનવામાં આવે છે.

