હિતેશ બારોટ બન્યા અમદાવાદ શહેરના નવા મેયર, AMCના નવા પદાધિકારીઓની જાહેરાત
હિતેશ બારોટ અમદાવાદ શહેરના નવા મેયર બન્યા છે. અમદાવાદના થલતેજ વોર્ડમાંથી તે ચૂંટાયેલા કોર્પોરેટર છે

Published : May 26, 2026 at 12:10 PM IST
|Updated : May 26, 2026 at 2:12 PM IST
અમદાવાદ: અમદાવાદને નવા મેયર મળી ગયા છે. હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. અંજુ શાહ ડેપ્યુટી મેયર બન્યા છે. કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ભાજપના શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ શહેરનો વિકાસ મારી પ્રાથમિકતા- હિતેશ બારોટ
અમદાવાદના નવા મેયર બનેલા હિતેશ બારોટ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન હિતેશ બારોટે અમદાવાદના વિકાસ, કોમનવેલ્થ ગેમ્સ અને પ્રિ મોનસૂન પ્લાનને લઇને પોતાનો પ્લાન જણાવ્યો હતો.
અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેરનો વિકાસ મારી પ્રાથમિકતા હશે. મારી પાસે 915 દિવસ છે અને આટલા દિવસમાં ભાજપના કાર્યકર્તા તરીકે મેયરની જવાબદારી મને સોપવામાં આવી છે તેને આગળ વધારવાનો પ્રયાસ કરીશ." આ સાથે જ અમદાવાદની જનતાને દરેક સેવા મફત મળે તેવા પ્રયાસ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કોણ છે હિતેશ બારોટ?
હિતેશ બારોટ અમદાવાદ શહેરના નવા મેયર બન્યા છે. અમદાવાદના થલતેજ વોર્ડમાંથી તે ચૂંટાયેલા કોર્પોરેટર છે. અગાઉ AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. હિતેશ બારોટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળે છે. હિતેશ બારોટને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીકના ગણવામાં આવે છે.
હિતેશ બારોટ 1986માં ભાજપમાં સામેલ થયા હતા અને ત્યારબાદ 1987થી 1997 દરમિયાન RSSમાં સક્રિય રહ્યા. 1988માં થલતેજ ગ્રામ્ય મંડલના મહામંત્રી બન્યા હતા. તેઓ 1989થી 1997 દરમિયાન દસક્રોઇના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી ચુક્યા છે. હિતેશ બારોટ દસક્રોઇ ભાજપ તાલુકા પ્રમુખ પણ રહી ચુક્યા છે.
હિતેશ બારોટ 2001થી 2005 દરમિયાન બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી નીભાવી ચુક્યા છે. તેઓ 2010માં APMC (અમદાવાદ)ના વાઇસ ચેરમેન બન્યા. 2014માં APMCમાં ડિરેક્ટર બન્યા હતા. 2012માં ADC બેન્કના ડિરેક્ટર બન્યા હતા. 2013થી 2017 દરમિયાન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી.
આ પણ વાંચો:

