ETV Bharat / state

ઐતિહાસિક ધરોહર રામભરોસે! 2 કરોડના બ્યુટીફિકેશનના દાવા વચ્ચે વઢવાણના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય, તપાસના આદેશ

વઢવાણ શહેરી વિસ્તારનું ગંદુ અને વપરાશ થયેલું ડ્રેનેજનું પાણી આ પૌરાણિક તળાવમાં છોડી દેવાતા સમગ્ર તળાવ દૂષિત પાણી અને કચરાથી ખદબદી ઉઠ્યું છે

2 કરોડના બ્યુટીફિકેશનના દાવા વચ્ચે વઢવાણના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય
2 કરોડના બ્યુટીફિકેશનના દાવા વચ્ચે વઢવાણના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 4:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના વઢવાણમાં રાજવી પરિવાર દ્વારા જે તે સમયે શુદ્ધ અને ઠંડી હવા મેળવવા માટે ઐતિહાસિક હવામહેલ અને તેની સામે પૌરાણિક 'ધર્મ તળાવ'નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આસપાસના લોકો માટે પીવા અને વપરાશના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતું આ વર્ષો જૂનું તળાવ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનું ભોગ બન્યું છે. વઢવાણ શહેરી વિસ્તારનું ગંદુ અને વપરાશ થયેલું ડ્રેનેજનું પાણી આ પૌરાણિક તળાવમાં છોડી દેવાતા સમગ્ર તળાવ દૂષિત પાણી અને કચરાથી ખદબદી ઉઠ્યું છે.

ઐતિહાસિક ધરોહર સમાન તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

વઢવાણના ઐતિહાસિક ધરોહર સમાન ગણાતા 'ધર્મ તળાવ'માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આસપાસના વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે અને દૂષિત પાણીને કારણે દુર્ગંધ પણ ફેલાઇ છે. મહાનગરપાલિકા દ્વારા એક કરોડથી વધુના ખર્ચે આ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવવાનું છે પણ તે પહેલા જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા અનેક સવાલ ઉભા થયા છે.

2 કરોડના બ્યુટીફિકેશનના દાવા વચ્ચે વઢવાણના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય (ETV Bharat Gujarat)

વઢવાણ શહેરી વિસ્તારનું વપરાશ થયેલું પાણી પણ તળાવમાં ભરાઇ ગયું છે જેને કારણે કચરો જામી ગયો છે. તળાવની આસપાસ 10થી વધુ સોસાયટીના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક આ તળાવની સાફ સફાઇનું કામ હાથ પર લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. તળાવની નજીકમાં કોર્ટ અને મામલતદાર કચેરી આવેલી છે ત્યાં આવતા કર્મચારીોને પણ મોઢે રૂમાલ રાખીને કચેરીએ આવવું પડે છે.

મહાનગરપાલિકાના કમિશનર જે કે જાદવ સાથે આ અંગે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની આ પ્રકારની રજૂઆતો મળી છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને કોની બેદરકારીના કારણે આ તળાવમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું છે તે અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તળાવના બ્યુટીફિકેશન માટે જે ઠરાવો કરવામાં આવ્યા છે તેની નકલો પણ મેળવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ એજન્સીને કામગીરી આપી અને તળાવ ચોખ્ખું થાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે.

"ડ્રેનેજ નું પાણી તળાવમાં ભરાયું છે આ બેદરકારી બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે." જે.કે.જાદવ, મ્યુનિસિપલ કમિશનર

નજીકમાં આવેલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સ્થાનિક રહેવાસી સુલેમાન કુરેશીએ જણાવ્યું હતું કે તળાવમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું છે જેને લીધે દુર્ગંધ પ્રસરી રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ફેલાઇ છે. આ અંગે તાત્કાલિક સફાઇ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને આસપાસના વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: