બહુચરાજીનું ઐતિહાસિક બાંધલિયા તળાવ ગંદકી અને જળકુંભીથી ખદબદી ઊઠ્યું
તળાવની ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, ડેન્ગ્યુ-મલેરિયા જેવા રોગચાળાની ભીતિ છે અને ભૂતકાળમાં મંજૂર થયેલી ગ્રાન્ટનો ઉપયોગ ન થતા સ્થાનિકોમાં રોષ છે.

Published : August 26, 2026 at 5:43 PM IST
બહુચરાજી (મહેસાણા): ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજીમાં આવેલું ઐતિહાસિક બાંધલિયા તળાવ હાલ તંત્રની ઘોર બેદરકારી અને ઉપેક્ષાનો ભોગ બન્યું છે. તળાવની સમગ્ર સપાટી પર જંગલી લીલી વેલ અને જળકુંભી એવી રીતે પથરાઈ ગઈ છે કે પ્રથમ નજરે જોતાં અહીં કોઈ વિશાળ ગાર્ડન કે રમતગમતનું મેદાન હોય તેવો ભાસ થાય છે. જોકે, દૂરથી સુંદર લાગતી આ હરિયાળી કોઈ કુદરતી સૌંદર્ય નથી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને ગંદકીનું વરવું પ્રતીક બની ચૂકી છે.
બહુચરાજી મંદિર પરિસરની નજીક આવેલું આ બાંધલિયા તળાવ ગાયકવાડ શાસન વખતનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું જળાશય છે. આ તળાવનું પાણી ઐતિહાસિક માનસરોવર સાથે પણ જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. એક સમયે જે તળાવ પવિત્રતા અને જળસંચયનું ઉત્તમ કેન્દ્ર હતું, તે આજે યોગ્ય જાળવણીના અભાવે પોતાની મૂળ ઓળખ ગુમાવી ચૂક્યું છે.
વરસાદી પાણીના સ્થાને ગટરનું ગંદુ પાણી અને કચરાના ઢગલા
હાલ ચોમાસાની ઋતુ હોવા છતાં આ તળાવમાં વરસાદી ચોખ્ખા પાણીને બદલે બહુચરાજી નગરના રહેણાંક વિસ્તારોની ગટરો તેમજ બસ સ્ટેન્ડ શૌચાલયનું દૂષિત પાણી સીધું તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓ અને આસપાસના લોકો દ્વારા તળાવના ઘાટ અને કિનારા પર પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકવામાં આવે છે.
પરિણામે તળાવ સડી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકીના કારણે ભારે માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી આસપાસના રહીશોમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ભયજનક રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.
ગ્રાન્ટ ફાળવાયા છતાં પરિસ્થિતિ 'જેસે થે': સ્થાનિકોમાં રોષ
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, તળાવના નવીનીકરણ અને સફાઈ માટે ભૂતકાળમાં બેથી ત્રણ વખત સરકારી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, તંત્રની ઢીલી નીતિ અને ઉદાસીનતાના કારણે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો નહીં અને રકમ પરત ગઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કરોડો રૂપિયાના ખર્ચે બહુચરાજી મંદિર પરિસરનું નવનિર્માણ થઈ રહ્યું છે, પરંતુ મંદિરની લગોલગ આવેલા આ ઐતિહાસિક તળાવ સામે વહીવટી તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કચરો ફેંકનારા તત્વો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાય અને તળાવની યોગ્ય સફાઈ થાય તેવી લોકમાંગ ઉઠી છે.
ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ તળાવનો કાયાકલ્પ થવાની વહીવટી ખાતરી
આ સમગ્ર મામલે તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર, બહુચરાજી યાત્રાધામ વિકાસના બીજા ફેઝ (Phase-2) અંતર્ગત મંદિર પરિસરની આસપાસ 500 મીટરના વિસ્તારનો સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવનાર છે. જેમાં યાત્રિક ભવન, વિશાળ પાર્કિંગ વ્યવસ્થાની સાથોસાથ બાંધલિયા તળાવનું ઊંડું ખોદકામ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, વોક-વે તથા આકર્ષક બ્યુટીફિકેશનનું આયોજન વિચારણા હેઠળ છે. જો આ યોજનાનું તાકીદે અમલીકરણ થાય તો યાત્રાળુઓ અને સ્થાનિક નગરજનો માટે આ તળાવ ઉત્તમ પ્રવાસન અને હરવા-ફરવાનું સ્થળ બની શકે છે.
આ પણ વાંચો...

