રાજ્યમાં આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ પર હાઇકોર્ટનો મોટો નિર્દેશ, શિક્ષણ વિભાગ હેઠળ લાવવાની તૈયારીને અપાયો આખરી ઓપ
શિક્ષણ વિભાગની નિયમિત વ્યવસ્થા સાથે જોડવાની દિશામાં લેવાયેલા પગલાં અંગે કોર્ટને માહિતી આપી હતી. જ્ય સરકારની સક્રિયતા અને અત્યાર સુધીના પ્રયાસોને હાઈકોર્ટે બિરદાવ્યા હતા

Published : September 3, 2026 at 2:12 PM IST
અમદાવાદ: ગુજરાતની આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ અને આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આશ્રમશાળાઓની શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારા અને તેને શિક્ષણ વિભાગની નિયમિત વ્યવસ્થા સાથે જોડવાની દિશામાં લેવાયેલા પગલાં અંગે કોર્ટને માહિતી આપી હતી. જ્ય સરકારની સક્રિયતા અને અત્યાર સુધીના પ્રયાસોને હાઈકોર્ટે બિરદાવ્યા હતા.
હાઈકોર્ટના અગાઉના નિર્દેશોના અનુસંધાનમાં રાજ્ય સરકારે હાઈ પાવર કમિટીની રચના કરી હતી. આ કમિટીની ભલામણોના આધારે આશ્રમશાળાઓની શૈક્ષણિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક સુધારાઓ કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, શ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓ માટે લાગુ પડતા વૈધાનિક નિયમો મુજબ નિયમિત કરવા અંગે સચિવ સ્તરે સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી છે.
એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે વધુમાં જણાવ્યું હતું કે,હાઈ પાવર કમિટીની ભલામણો બાદ સચિવ સ્તરે અને ત્યારબાદ સંબંધિત મંત્રીના સ્તરે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકાર આ સમગ્ર પ્રક્રિયાને આગળ ધપાવી રહી છે અને આશ્રમશાળાઓના શૈક્ષણિક માળખામાં જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે.હાઈકોર્ટ દ્વારા આશ્રમશાળાઓની વ્યવસ્થામાં સુધારા માટે લેવામાં આવી રહેલા આ પ્રયાસોને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે.
સમગ્ર મામલો હાઈકોર્ટના સુઓમોટો હસ્તક્ષેપ બાદ આગળ વધ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા આશ્રમશાળાઓ પાછળ અત્યાર સુધીમાં રૂ. 400 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.હાલ રાજ્યમાં કુલ 728 આશ્રમશાળાઓ કાર્યરત હોવાનું સરકાર તરફથી જણાવાયું છે માંથી 457 આશ્રમશાળાઓ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હોવાનું, જ્યારે 167 આશ્રમશાળાઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત હોવાનું જણાવાયું છે.
વધુ 85 આશ્રમશાળાઓ અનુસૂચિત જનજાતિ વિભાગ હેઠળ કાર્યરત હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.આશ્રમશાળાઓની શૈક્ષણિક વ્યવસ્થાને શિક્ષણ વિભાગની નિયમિત વ્યવસ્થા સાથે જોડવાનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. શિક્ષકોની ભરતી અને લાયકાત, અભ્યાસક્રમ, શૈક્ષણિક ગુણવત્તા, મોનિટરિંગ અને વિદ્યાર્થીઓની પ્રગતિ જેવા મુદ્દાઓને વધુ સુવ્યવસ્થિત રીતે જોવામાં આવે તેવી દિશામાં સરકાર આગળ વધી રહી છે. મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ શિક્ષકને દૂર કરવામાં નહીં આવે તેવી ખાતરી પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું.
આ સમગ્ર મામલે હવે આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને આવ્યો છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ શરૂઆતના ધોરણોમાં આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોય છે, પરંતુ આગળના ધોરણોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને ધોરણ 10, 11 અને 12ના સ્તરે ડ્રોપઆઉટની સમસ્યા વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
હાઈકોર્ટે માત્ર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવાનો અભિગમ પૂરતો ન ગણાવી, તેઓ શિક્ષણ પૂર્ણ કરે તે માટેના કારણો અને ઉપાયો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ બાદ આગળનું શિક્ષણ કેમ છોડી દે છે, આ પાછળના સામાજિક, આર્થિક, પરિવહન, પરિવાર અથવા અન્ય કારણો શું છે અને તેમને ફરી શિક્ષણ સાથે કેવી રીતે જોડાઈ શકાય તે અંગે હવે અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસની જવાબદારી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે GSLSAને સોંપવામાં આવી છે. હાઈકોર્ટે GSLSAના સભ્ય સચિવને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવો મારફતે આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ અંગે જરૂરી અભ્યાસ કરાવવાનો આદેશ આપ્યો છે. અભ્યાસનો અહેવાલ શક્ય તેટલા ટૂંકા સમયમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
હાઈકોર્ટના આદેશની જાણ GSLSAના સભ્ય સચિવને બે દિવસની અંદર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.GSLSAના પેરા લીગલ વોલન્ટિયર્સ એટલે કે PLVsની મદદથી પણ આ સમસ્યાના ઉકેલ માટે કામગીરી થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં અભ્યાસ શરૂ કર્યા બાદ વચ્ચે જ શાળા છોડી દે છે, તેમના પરિવાર અને વાલીઓ સુધી PLVs પહોંચી શકે છે અને બાળકોનું શિક્ષણ ચાલુ રાખવા માટે જરૂરી સમજણ તથા કાયદાકીય અને સામાજિક સહાય પૂરી પાડી શકે છે.
આ મામલે અગાઉ NALSAની કોન્ફરન્સ દરમિયાન આદિવાસી સમાજને મળતી સુવિધાઓ અંગે ખાસ સત્ર પણ યોજાયું હતું. આ સત્રમાં ગુજરાતની આશ્રમશાળા વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવી હતી. હવે આ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં જાળવી રાખવા માટે GSLSAની સેવાઓનો ઉપયોગ કરવાની દિશામાં પણ વિચારણા થઈ રહી છે.
સરકાર તરફથી કોર્ટને વધુ એક મહત્વની માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં ધોરણ 1થી 8 સુધી આશ્રમશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ મળવાપાત્ર લાભો સાથે જોડવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પગલું આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણના અધિકારના માળખા સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
હાઈકોર્ટે સરકારની સક્રિયતા અને આશ્રમશાળાઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવાના પ્રયાસોને બિરદાવ્યા છે. જોકે, હવે માત્ર નિર્ણય લેવો પૂરતો નથી, પરંતુ આ નિર્ણયનો જમીન પર કેટલો અમલ થાય છે તે પણ મહત્વનું રહેશે. આશ્રમશાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની વ્યવસ્થા, વિદ્યાર્થીઓની હાજરી, ધોરણવાર સંખ્યા, ડ્રોપઆઉટ અને આગળના શિક્ષણમાં પ્રવેશ જેવા મુદ્દાઓ પર સતત મોનિટરિંગ જરૂરી બનશે.અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ ફરિયાદો અને પ્રશ્નો પર પણ સંબંધિત સત્તાધિકારીઓએ વિચારણા કરવાની રહેશે. એટલે કે આશ્રમશાળાઓને કયા વિભાગ હેઠળ રાખવામાં આવશે તે મુદ્દા સાથે જ શૈક્ષણિક ગુણવત્તા, વહીવટી માળખું, મોનિટરિંગ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવાનો પડકાર રાજ્ય સરકાર સામે રહેશે.
હવે રાજ્ય સરકાર હાઈ પાવર કમિટીની ભલામણોના આધારે સચિવ અને ત્યારબાદ સંબંધિત મંત્રી સ્તરે નિર્ણયને અંતિમ સ્વરૂપ આપશે. બીજી તરફ GSLSA દ્વારા કરવામાં આવનાર ડ્રોપઆઉટનો અભ્યાસ પણ આગામી સુનાવણીમાં મહત્વપૂર્ણ બનશે. ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ કેમ છોડી દે છે અને તેમને ફરી શિક્ષણ સાથે જોડવા માટે કયા વ્યવહારુ પગલાં જરૂરી છે તેનો અહેવાલ કોર્ટના આગામી આદેશ માટે આધારરૂપ બની શકે છે.આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે વધુ સુનાવણી માટે 3 સપ્ટેમ્બર, 2026ની તારીખ નક્કી કરી છે.
હવે આગામી સુનાવણીમાં આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારે કેટલી પ્રગતિ કરી છે અને GSLSAના અભ્યાસમાંથી આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ અંગે શું કારણો અને ઉપાયો સામે આવ્યા છે, તેના પર ખાસ નજર રહેશે.આ રીતે આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગનો મુદ્દો હવે માત્ર વિભાગ બદલવાનો કે વહીવટી માળખું સુધારવાનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, તેઓ શાળા વચ્ચે ન છોડે અને ધોરણ 12 સુધી તેમનું શિક્ષણ પૂર્ણ કરે તે માટેની સમગ્ર વ્યવસ્થાના પુનર્ગઠન સાથે જોડાઈ ગયો છે.
આ પણ વાંચો:

