ETV Bharat / state

તાપીમાં મેઘમહેર: નદીઓ ગાંડીતુર બનતા જનજીવન પ્રભાવિત, 200 લોકોનું સ્થળાંતર

તાપી જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. જિલ્લાની મુખ્ય નદીઓમાં પાણીની ભારે આવક થતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

નદીઓ ગાંડીતુર બનતા જનજીવન પ્રભાવિત
નદીઓ ગાંડીતુર બનતા જનજીવન પ્રભાવિત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 1:08 PM IST

1 Min Read
Choose ETV Bharat

તાપી: તાપી જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. જિલ્લાની મુખ્ય નદીઓમાં પાણીની ભારે આવક થતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, જેના કારણે પંચાયત હસ્તકના 43 જેટલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મિકી અને મીંઢોળા નદીના આકાશી દ્રશ્યોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો હતો, જેને પગલે સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક

ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની નદીઓમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. નદીઓમાં પાણીની આવક વધતા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિણામે પંચાયત હસ્તકના કુલ 43 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં વ્યારાના 9, ડોલવણના 12, વાલોડના 15 અને સોનગઢના 7 રસ્તાઓનો સમાવેશ થાય છે.

નદીઓ ગાંડીતુર બનતા જનજીવન પ્રભાવિત (ETV Bharat Gujarat)

વાલોડ તાલુકાના બાજીપુરા ખાતેથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતા નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે પાંચથી વધુ ફળિયાઓનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકોને જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાલોડમાંથી પસાર થતી વાલ્મિકી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદીના આકાશી દૃશ્યોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ગત રાત્રે નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્રે સાવચેતીના ભાગરૂપે નદી કિનારે વસતા આશરે 200 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું.

તાપી જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે.
તાપી જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. (ETV Bharat Gujarat)

જોકે આજે વરસાદે વિરામ લેતા નદીઓના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નદી કે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા લોકોને અપીલ કરી રહ્યું છે.

આ પણ વાંચો: