ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ ભરતી પર સુનાવણી- PSI રિચેકિંગ માર્ચ સુધી પૂર્ણ થશે, ફેઝ-02માં 13,591 જગ્યાઓ માટે ફિઝિકલ ટેસ્ટ ચાલુ
રાજ્યમાં પોલીસ દળ ભરતી પ્રક્રિયા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

Published : February 28, 2026 at 5:23 PM IST
અમદાવાદ: રાજ્યમાં પોલીસ દળની ભરતી પ્રક્રિયા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. કાયદો-વ્યવસ્થા, તોફાનો દરમિયાન જાહેર મિલકતનું રક્ષણ અને પોલીસ દળમાં ખાલી જગ્યાઓને લઈને હાઇકોર્ટ દ્વારા અગાઉ સુઓમોટો અરજી લેવામાં આવી હતી. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટેના 2019ના માર્ગદર્શક નિર્દેશોના આધારે હાથ ધરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોમાં પોલીસ રિડ્રેસલ મિકેનિઝમ સ્થાપવું, ખાલી જગ્યાઓ ભરવી, વસ્તી પ્રમાણે ભરતી કરવી, પોલીસને યોગ્ય ટ્રેનિંગ આપવી, કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને જાહેર સભાઓ માટે પોલીસ પરવાનગી ફરજિયાત બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. હાઇકોર્ટ આ તમામ મુદ્દાઓના અમલીકરણ અંગે સરકાર પાસેથી સ્થિતિ રિપોર્ટ માંગે છે.
આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ સુનવણી ચાલી રહી છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે PSI ફેઝ-01 ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધી 2,47,803 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા હતા અને 15 જૂને લેખિત પરીક્ષા યોજાઈ હતી. 472 PSI જગ્યાઓ માટે 86,727 ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા. પેપર-02 13 એપ્રિલે લેવામાં આવ્યું હતું અને તેનું પરિણામ 26 ડિસેમ્બરે જાહેર થયું હતું. અંદાજે 50 હજાર ઉત્તરવહીઓ ચકાસાઈ ચૂકી છે. 10 જાન્યુઆરીથી રિચેકિંગ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને હાલ રિચેકિંગની પ્રક્રિયા ચાલુ છે, જે માર્ચ 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગત ભરતી પ્રક્રિયામાં 11,899 કોન્સ્ટેબલ અને જેલ સિપાહી પોસ્ટ માટે પસંદગી યાદી 12 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. 10,902 કોન્સ્ટેબલ પોસ્ટમાંથી 9,724 ઉમેદવારોને અપોઇન્ટમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાકી ઉમેદવારોના કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશનની પ્રક્રિયા બાકી હોવાનું કોર્ટમાં જણાવાયું હતું. 29 જાન્યુઆરી 2026થી નિમણૂક પ્રક્રિયા શરૂ કરાઈ છે.
ફેઝ-02 ભરતીની જાહેરાત 3 ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી. કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે, જેમાં PSI પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ ભરતી માટે 10 લાખથી વધુ અરજીઓ મળી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર જાન્યુઆરીથી માર્ચ સુધી ફિઝિકલ ટેસ્ટ યોજાઈ રહ્યા છે.
16 મહિનામાં 12,350 જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી
સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે, છેલ્લા 16 મહિનામાં 12,350 જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી છે અને દર મહિને પ્રમોશન પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સુનવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે એક જ ભરતીમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાય છે, ત્યારે રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું ગંભીર હશે? તેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું કે, યુવાનોમાં પોલીસ નોકરી પ્રત્યે વિશેષ આકર્ષણ છે. ફેઝ-01માં 15 લાખ અને ફેઝ-02માં 10 લાખથી વધુ અરજીઓ નોંધાઈ છે, જે પોલીસ સેવા પ્રત્યે યુવાનોની વધતી ઇચ્છા દર્શાવે છે.
કોર્ટે સરકારને ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા અને આગળની તમામ કાર્યવાહી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું છે. આ મામલે આગળની સુનવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:

