લોકોમાં કેમ સતત ઘટી રહ્યું છે કેલ્શિયમનું પ્રમાણ ? યોગ્ય કાળજીથી સ્વસ્થ જીવન કેમ જીવી શકાય, જાણો તબીબનો અભિપ્રાય
આજની ભાગદોડભરી જિંદગી અને ખાનપાનના કારણે લોકોમાં કેલ્શિયમનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, ત્યારે આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, યોગ્ય કાળજીથી સ્વસ્થ જીવન જીવી શકાય.

Published : February 25, 2026 at 2:34 PM IST
|Updated : February 25, 2026 at 2:46 PM IST
જુનાગઢ: જુનાગઢ આયુર્વેદિક સરકારી મહાવિદ્યાલય ખાતે આજથી લઈને ત્રણ દિવસ સુધી આયુષ મેળાનું આયોજન થયું છે. જેમાં આયુર્વેદિક યુનિવર્સિટીના તબીબો,અધ્યાપકો અને આર્યુવેદિક ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય લોકોને વિવિધ તબક્કે થતા રોગ અને તેનાથી કઈ રીતે બચી શકાય ? રોગ થયા પૂર્વે અને ત્યારબાદ કેવી તકેદારી અને સાવચેતી રાખવી જોઈએ ? તેને લઈને તબીબોએ લોકોને સમજાવ્યા હતા.
આધુનિક યુગમાં સૌથી વધારે હાડકાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, તેમાં પણ મહિલા વર્ગ ખૂબ વધારે છે. જ્યારે લાઈફ સ્ટાઈલ યોગ્ય ભોજનની પદ્ધતિ અને તણાવ વગરનું જીવન જીવવાથી કોઈ પણ વ્યક્તિ જીવન પર્યંત હાડકાને ખૂબ મજબૂત રાખી શકે છે.
કેલ્શિયમની ઉણપનું કારણ
જુનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલય દ્વારા આજે ત્રણ દિવસ માટે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર શરીરને રોગમુક્ત કઈ રીતે રાખી શકાય તેમજ રોગગ્રસ્ત શરીરને ફરીથી કેમ સ્વસ્થતા આપી શકાય તે માટે કોલેજના અધ્યાપકો,તબીબો અને આયુર્વેદિક તબીબી અભ્યાસક્રમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌ લોકોને આયુર્વેદિકની દ્રષ્ટિએ જીવન જીવવાની સાચી પદ્ધતિને સમજાવી હતી. કોઈ પણ વ્યક્તિ યોગ્ય રહેન સહેનથી જીવન પસાર કરે તો આવા વ્યક્તિ મોટા ભાગના રોગોથી દૂર જોવા મળતા હોય છે.

આધુનિક યુગમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી ચિંતાજનક
આધુનિક યુગમાં કેલ્શિયમની ઉણપ સૌથી વધુ જોવા મળતી હોય છે. જેમાં સૌથી વધારે મહિલા વર્ગની વ્યક્તિનો સમાવેશ થાય છે, તેની પાછળ લાઈફ સ્ટાઈલ, માનસિક તાણ અને જંક તેમજ પાર્સલ ફૂડને કારણે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટતું હોય છે. જંક ફૂડ અને ટ્રેસને કારણે શરીરમાં મોનો સોડિયમ ગ્લુકામેટ બનતો હોય છે, જે કુદરતી રીતે શરીરમાં બનતા કેલ્શિયમને અટકાવે છે. જેને કારણે હાડકાની ઘનતા ઘટતી જાય છે, અને તેથી જ હાડકા પોચા પડે છે. આ તમામ કારણોને કારણે આજે હાડકાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

કેલ્શિયમનું પ્રમાણ જાળવવા ના સૂચનો
જુનાગઢ સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના ડીન ડો.સિદ્ધેશ પંડ્યા એ ઈટીવી ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં અને ખાસ કરીને મહિલાઓમાં કેલ્શિયમની ઉણપની અનેક ફરિયાદો જોવા મળે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ ઓછી થાય તે માટે કોઈ પણ વ્યક્તિએ માનસિક તાણ વગર જીવન જીવવું જોઈએ. બહારનું પાર્સલ અથવા તો જંક ફૂડ સદંતર બંધ કરવું જોઈએ. વધુમાં કોઈપણ વ્યક્તિ જો પોતાનો નિયમિત ડાયેટ રાખી શકે, આવો વ્યક્તિ કેલ્શિયમની ઉણપ કે તેના શરીરમાં અન્ય કોઈ રોગો પણ નહીવત અથવા તો ઓછા પ્રમાણમાં આવે છે. આયુર્વેદમાં વિવિધ દવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કેલ્શિયમની શરીરમાં ઘટને નિવારી શકવા માટે મદદરૂપ બનતું હોય છે.

આડેધડ કેલ્શિયમનો ઉપયોગ ભયંકર નુકસાનકારક
આધુનિક દેખાદેખીના યુગમાં કોઈ પણ વ્યક્તિ કેલ્શિયમની દવા લેતો હોય આવી વ્યક્તિનું અનુકરણ અન્ય કોઈ વ્યક્તિ કરીને કોઈ પણ પ્રકારના તબીબી અભિપ્રાય વગર કેલ્શિયમની ગોળી જાતે લેતા હોય છે, જેને કારણે કિડની લીવરને ખુબ નુકસાન થઈ શકે છે, સાથે સાથે જરૂર ન હોવા છતાં પણ કેલ્શિયમને લેવું પથરી જેવી બીમારીને જન્મ પણ આપી શકે છે. જો કોઈપણ વ્યક્તિને હાડકા કે કેલ્શિયમ સંબંધી કોઈપણ પ્રકારની ઉણપ જોવા મળે તો, આવી વ્યક્તિઓએ તેમના નજીકના તબીબનો સંપર્ક કરવો જોઈએ, અને તબીબો જે પ્રમાણે કેલ્શિયમના પ્રમાણની દવા રૂપે સૂચન કરે તેને જ અને તેટલા પ્રમાણમાં જ લેવું જોઈએ અન્યથા કેલ્શિયમ વધારવાના ચક્કરમાં રોગ ઘટાડવાની સાથે કેલ્શિયમ ગ્રસ્ત માણસના શરીરને રોગ યુક્ત બનાવી શકે છે. જેથી પ્રત્યેક વ્યક્તિએ કેલ્શિયમ લેતા પૂર્વે તેના તબીબનો અચૂક અભિપ્રાય લેવો જોઈએ. તેમ અંતમાં ડીન ડો.સિદ્ધેશ પંડ્યાએ જણાવ્યું હતું.
(ડિસ્ક્લેમર: અહીં આપેલા સૂચનો અને વિચારો તબીબના અંગત છે, ઈટીવી ભારત તેમને સમર્થન આપતું નથી)

