ETV Bharat / state

રાજકોટ લોકમેળામાં ખાણીપીણી સ્ટોલ પર આરોગ્ય વિભાગની સઘન તપાસ: અખાદ્ય પદાર્થો વપરાશે તો થશે કડક કાર્યવાહી

ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા રેસકોર્સ મેદાનમાં લાગેલા તમામ ફૂડ સ્ટોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા રેસકોર્સ મેદાનમાં લાગેલા તમામ ફૂડ સ્ટોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા રેસકોર્સ મેદાનમાં લાગેલા તમામ ફૂડ સ્ટોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 9:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

રાજકોટ: શહેરના આંગણે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા જાજરમાન લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ 5 દિવસીય લોકમેળાને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મજા માણવા આવે છે. આ વર્ષે પણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ મેળો ચાલુ થતાની સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં દર વર્ષે ખાણીપીણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ કોઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણતા હોય છે. ત્યારે કોઈ પણ મુલાકાતીના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય શાખા એક્શનમાં આવી છે. ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા રેસકોર્સ મેદાનમાં લાગેલા તમામ ફૂડ સ્ટોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન સ્ટોલ ધારકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આરોગ્યને નુકસાન થાય તેવા કોઈપણ પ્રકારના અખાદ્ય પદાર્થો, હલકી ગુણવત્તાનું તેલ, વાસી ખાદ્ય સામગ્રી કે કૃત્રિમ રંગોનો ઉપયોગ બિલકુલ કરવો નહીં. જો કોઈ પણ સ્ટોલ પર આવા પદાર્થોનો ઉપયોગ થતો જોવા મળશે અથવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જણાશે તો તાત્કાલિક ધોરણે તે સ્ટોલ સીલ કરવામાં આવશે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા રેસકોર્સ મેદાનમાં લાગેલા તમામ ફૂડ સ્ટોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. (ETV Bharat Gujarat)

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, લોકમેળા દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ફરજિયાત છે. દરેક સ્ટોલધારકે પોતાના સ્ટોલ પાસે ડસ્ટબિન રાખવું, કર્મચારીઓએ માથા પર ટોપી અને હાથમાં ગ્લોવ્સ પહેરવા, પીવાના પાણીની સ્વચ્છતા જાળવવી અને ખાદ્ય પદાર્થોને ખુલ્લામાં ન રાખવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી. જે સ્ટોલ પર શંકાસ્પદ તેલ કે સામગ્રી જોવા મળી હતી ત્યાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે લોકમેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 1500થી વધુ પોલીસ જવાનો, 5 વોચ ટાવર, ડ્રોન અને CCTVથી સતત નજર રાખવામાં આવશે. સાથે જ 14 સ્થળે ફ્રી પાર્કિંગ અને 10 માર્ગો પર નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે મેળામાં આવતા લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે આરોગ્ય વિભાગ મેળાના 5 દિવસ દરમિયાન દરરોજ સાંજે સતત ચેકિંગ કરશે.

આરોગ્ય શાખાના અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ પણ સ્ટોલ પર અખાદ્ય કે વાસી ખોરાક વેચાતો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો. તંત્રનો ઉદ્દેશ્ય છે કે લોકો તહેવારનો આનંદ નિર્ભય રીતે અને સ્વસ્થ રીતે માણી શકે. આમ, એક તરફ મેળાની રંગત જામી છે તો બીજી તરફ તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્યને લઈને કોઈ બાંધછોડ નહીં કરવાનો સંદેશ સ્પષ્ટ આપી દેવામાં આવ્યો છે.

પ્રથમ તો અત્યારે જે પ્રાઇમરી લેવલે ફૂડ રજીસ્ટ્રેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ આરોગ્ય વિભાગ વેપારીઓને એજ્યુકેટ કરી રહ્યા છીએ કે તે લોકોએ શું કાળજી રાખવી જોઈએ અમે જે રો મટીરીયલ છે જેમાંથી વસ્તુ બનવાની છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઢોકળા, ભુંગળા-બટેટા, ખીચું જેવી વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભુંગળા બટેટાના સ્ટોલ ધારક પાસેથી વાસી બટેટા નીકળતા તેનો ઘટના સ્થળે નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: