થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને દમણ ‘હાઉસફુલ’, પોર્ટુગીઝ નગરીને દુલ્હનની જેમ શણગારાઈ
સંઘપ્રદેશ દમણમાં વર્ષ 2025ને વિદાય આપી 2026નું સ્વાગત કરવા માટે ભવ્ય ઉજવણીનો માહોલ સર્જાયો છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

Published : December 31, 2025 at 12:51 PM IST
|Updated : December 31, 2025 at 1:19 PM IST
દમણ: પોર્ટુગીઝ ઈતિહાસ અને દરિયાકાંઠાની રમણીયતા ધરાવતા સંઘપ્રદેશ દમણમાં વર્ષ 2025ને વિદાય આપી 2026નું સ્વાગત કરવા માટે ભવ્ય ઉજવણીનો માહોલ સર્જાયો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સમગ્ર દમણ જાણે ઉત્સવના રંગમાં રંગાઈ ગયું, હોય તેવો દ્રશ્ય જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક-ચોરાહા અને પ્રવાસન સ્થળો ઝગમગતી રોશનીથી શણગારાયા છે.
દુલ્હનની જેમ શણગારાયેલું દમણ શહેર
ખાસ કરીને નાની દમણનો ફોર્ટ વિસ્તાર, ચર્ચ આસપાસનો વિસ્તાર અને બજારો રંગબેરંગી લાઈટિંગ, આકર્ષક તોરણો અને કલરફુલ છત્રીઓથી ઝળહળી ઉઠ્યા છે. પોર્ટુગીઝ સ્થાત્ય અને આધુનિક લાઈટ ડેકોરેશનનું સંયોજન સહેલાણીઓને આકર્ષી રહ્યું છે. સાંજ પડતાની સાથે જ દમણની ગલીઓમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાઈ જાય છે.

નમો પથ અને જમપોર બીચ પર વિશેષ આકર્ષણ
પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહેલા ‘નમો પથ’ અને જમપોર બીચ પરના નાઈટ માર્કેટમાં મોડી રાત સુધી ભારે ભીડ જોવા મળશે. અહીં હસ્તકલા સામગ્રી, ખાણી-પીણીના સ્ટોલ અને મ્યુઝિક સાથે પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. દરિયાની ઠંડી હવા અને લાઈવ મ્યુઝિક નવા વર્ષની ઉજવણીને વધુ યાદગાર બનાવી રહી છે.

હોટેલ-રિસોર્ટ્સ હાઉસફુલ, બમ્પર બુકિંગ
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણમાં ઉમટી પડ્યા છે. પરિણામે નાનકડા દમણની લગભગ તમામ નાની-મોટી હોટેલો અને રિસોર્ટ્સ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયા છે. હોટેલ એસોસિએશનના જણાવ્યા મુજબ, ક્રિસમસ જેવી જ ભીડ થર્ટી ફર્સ્ટ પર પણ રહેવાની શક્યતા છે.

ડીજે પાર્ટી અને લાઈવ ઓર્કેસ્ટ્રાનો ધમાકો
હોટેલ એસોસિએશન અને પ્રવાસન વિભાગના સંયુક્ત પ્રયાસોથી પ્રવાસીઓને આકર્ષવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત સિંગર્સ, લાઈવ ઓર્કેસ્ટ્રા તેમજ ‘ચિયર્સ ૨૦૨૬’ અને ‘ધ ડેલ્ટિન’ જેવી જગ્યાઓ પર હાઈ-પ્રોફાઈલ ડીજે પાર્ટીઓ યોજાનાર છે. હોટેલ સંચાલકોએ કોન્ટિનેન્ટલથી લઈ સી-ફૂડ સુધીના વિશેષ મેનુ સાથે આકર્ષક પેકેજીસ પણ જાહેર કર્યા છે.

પર્યાવરણ સુરક્ષાને લઈ આંશિક પ્રતિબંધ
પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી ફટાકડા અને આતશબાજી પર આંશિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કારણે કેટલાક સહેલાણીઓમાં થોડી નિરાશા જોવા મળી રહી છે, પરંતુ ઉજવણીના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.

સુરક્ષા અને ટ્રાફિક માટે ચાંપતો બંદોબસ્ત
ભારે ભીડને ધ્યાનમાં રાખીને દમણ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુગમ રીતે સંપન્ન થઈ શકે.
સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને નવો વેગ
થર્ટી ફર્સ્ટની બમ્પર ભીડને કારણે દમણના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને નવો વેગ મળ્યો છે. વેપારીઓ અને હોટેલ સંચાલકોમાં ખુશીનો માહોલ છે. કુલ મળીને, દમણમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય અને યાદગાર બનવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

