જાહેરાતો ભારે, ખર્ચ અધૂરા! યાત્રાધામ વિકાસનું બજેટ વાપરવામાં સરકાર નિષ્ફળ
યાત્રાધામ વિકાસ માટે ફળવાયેલા બજેટમાંથી અડધોઅડધ વપરાયું જ નહીં!

Published : February 18, 2026 at 8:55 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં યાત્રાધામ વિકાસ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ના સવાલના લેખિત જવાબમાં પ્રવાસન મંત્રીએ બજેટ ખર્ચ અંગે વિગતવાર માહિતી રજૂ કરી.માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં યાત્રાધામ વિકાસ માટે ફાળવાયેલું 50 ટકા કરતાં વધુ બજેટ વપરાયું નથી. વર્ષ 2024-25માં કુલ ₹307.99 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ₹155.79 કરોડ જ ખર્ચાયા. એટલે કે ₹152.20 કરોડ રૂપિયા વપરાયા વિના જ બાકી રહી ગયા.
આ જ રીતે વર્ષ 2025-26માં ₹463.52 કરોડનું જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર ₹225.50 કરોડનો જ ખર્ચ થયો. ₹238.02 કરોડ રૂપિયા ખર્ચાયા વગર જ બાકી રહી ગયા હોવાનું લેખિત જવાબમાં સ્વીકારાયું.
આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે યાત્રાધામોના વિકાસ માટે મોટી જાહેરાતો અને જોગવાઈ હોવા છતાં જમીન પર ખર્ચ અને અમલીકરણમાં ખામી રહી છે. વિધાનસભામાં હવે સવાલ ઊભો થયો છે કે, જ્યારે રાજ્યમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસની વાત થાય છે, ત્યારે ફાળવાયેલું બજેટ પૂરતું વપરાતું કેમ નથી?યાત્રાધામોના આધુનિકીકરણ અને સુવિધાઓના વિકાસ માટે જાહેર કરાયેલી યોજનાઓ હવે અમલની કસોટી પર છે.
બીજી તરફ, ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં અમદાવાદ શહેરમાંથી દારૂ અને ડ્રગ્સની મોટી જપ્તી થયાના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ છેલ્લા બે વર્ષના વિગતવાર આંકડા રજૂ કર્યા.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી અંદાજે ₹18 કરોડ જેટલો વિદેશી દારૂ ઝડપાયો છે. સાથે સાથે ₹2.60 કરોડનો દેશી દારૂ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દારૂબંધી વચ્ચે આટલી મોટી જપ્તી ચિંતાજનક માનવામાં આવી રહી છે.
ડ્રગ્સ મુદ્દે પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ₹20.54 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. ઉપરાંત ₹90 લાખથી વધુના અન્ય માદક દ્રવ્યો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું ગૃહમાં જણાવાયું. ₹41 કરોડથી વધુનો ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થો ઝડપાયા છે. આ આંકડા એક તરફ કાયદો અમલવારી તંત્રની કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ ગેરકાયદેસર નેટવર્કની હાજરી અંગે પ્રશ્નો ઊભા કરે છે.
વિધાનસભામાં હવે ચર્ચા તેજ બની છે કે દારૂબંધી કાયદા હોવા છતાં શહેરમાં દારૂ અને ડ્રગ્સની આવક કેવી રીતે ચાલુ રહે છે. સપ્લાય ચેઇન તોડવા અને મૂળ સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:

