ETV Bharat / state

બનાસકાંઠાનું એક ગામ જ્યાં 300 વર્ષથી હોળી પ્રગટાવાતી નથી, જાણો આ ગામની રોચક કહાની

બનાસકાંઠાના એક ગામ 300 વર્ષથી હોળી પ્રગટાવતા નથી, કેમ કે સાધુ દ્વારા આપવામાં આવેલ શ્રાપથી જ્યારે-જ્યારે હોળી પ્રગટાવે છે તરત જ ગામમાં લાગે છે આગ.

આ ગામમાં 300 વર્ષથી નથી થયું હોલીકા દહન
આ ગામમાં 300 વર્ષથી નથી થયું હોલીકા દહન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 3:28 PM IST

|

Updated : March 3, 2026 at 5:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ એક અનોખી પરંપરા માટે જાણીતું છે. આ ગામમાં છેલ્લા 250થી 300 વર્ષથી હોળીનો તહેવાર બિલકુલ ઉજવાતો નથી. દેશભરમાં હોળી રંગો, પિચકારી અને હોલિકા દહન સાથે ધામધૂમથી મનાવાય છે, પરંતુ આ ગામમાં હોળી પ્રગટાવવાનું તો દૂર, હોલિકા દહન પણ થતું નથી. ગામની વસ્તી લગભગ 10 હજાર છે અને લોકો બીજા તમામ તહેવારો ખૂબ ઉત્સાહથી મનાવે છે, પણ હોળીના દિવસે ગામ સાદગી અને ભક્તિભાવથી ભરાય છે.

આ ગામનું પૌરાણિક નામ રામેશ્વર છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામ અહીં આવ્યા હતા અને રામેશ્વર મહાદેવની પૂજા કરી હતી. તેથી ગામનું નામ રામેશ્વર પડ્યું અને પછી રામસણ થયું. ગામમાં રામેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં લોકો ભક્તિ કરે છે.

300 વર્ષથી આ ગામમા નથી મનાવાઈ હોળી (Etv Bharat Gujarat)

લોકવાયકા મુજબ આશરે 250-300 વર્ષ પહેલાં ગામમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ તે દિવસે અચાનક ગામમાં ભયાનક આગ લાગી ગઈ અને મોટું નુકસાન થયું. ગામલોકોએ તેને સામાન્ય આગ માની, પણ આ ઘટના એક વખતની ન હતી. જ્યારે જ્યારે હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું ત્યારે ગામમાં આગના બનાવો થવા લાગ્યા. વારંવાર આવી ઘટનાઓ બનતાં ગામના વડીલોએ તપાસ કરી અને જાણવા મળ્યું કે ગામ શાપિત છે.

બનાસકાંઠાનું રામસણ ગામ
બનાસકાંઠાનું રામસણ ગામ (Etv Bharat Gujarat)

પૌરાણિક કથા મુજબ પહેલાના સમયમાં ગામના રાજાએ સાધુ-સંતોનું અપમાન કર્યું હતું. તેથી સાધુઓએ ગામને શ્રાપ આપ્યો કે અહીં હોળી પ્રગટાવશો તો આગ લાગશે. આ શ્રાપને કારણે ગામલોકો હોળીના દિવસે હોલિકા દહન કરતા નથી. ઘણા લોકોએ આ વાતને ન માની અને હોળી પ્રગટાવી, પરંતુ તે પછી પણ ભયાનક આગ લાગી અને મકાનો સળગી ગયા. આ ઘટનાઓએ ગામલોકોને એટલા ભયભિત કરી દીધા કે, ત્યારબાદથી આ ગામમાં ગામલોકોએ હોળી પ્રગટાવવાનું બંધ કરી દીધું.

આજે પણ રામસણમાં હોળીના દિવસે લોકો શાંતિથી તહેવાર મનાવે છે. ગામ લોકો અને ગમના વડીલોના જણાવ્યા મુજબ એક શ્રીફળ મૂકીને બાળકોને ઢૂંઢાડે છે. પછી રામેશ્વર મહાદેવના મંદિરે ભેગા થઈ ભજન-કીર્તન કરે છે અને રામભક્તિમાં ડૂબી જાય છે. રંગો, પિચકારી કે હોલિકા દહન વગર જ આ ગામ હોળીને સાદગી અને ભક્તિથી ઉજવે છે.

બનાસકાંઠાનું રામસણ ગામ
બનાસકાંઠાનું રામસણ ગામ (Etv Bharat Gujarat)

આ પરંપરા આજે પણ અકબંધ છે. ગામલોકો માને છે કે સાધુ-સંતોના શ્રાપને કારણે ગામ શાપિત છે અને હોળી પ્રગટાવવાથી આગ લાગે છે. તેથી તેઓ વડીલોની વાતને અનુસરીને આજે પણ હોળીને ભક્તિ અને શાંતિથી મનાવે છે.

ભલે હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજય સમાન હોય પરંતુ આ ગામના લોકોની વાયકા મુજબ સાધુ સંતોના શ્રાપ ઉપર આજેય વિજય નથી મેળવી શકાયો.

આ પણ વાંચો:

  1. નર્મદાના વડિયામાં પથ્થર ઘસીને રૂ સળગાવી હોળી પ્રગટાવવામાં આવી, વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ
  2. વલસાડ: આદિવાસી વિસ્તારમાં હોળી પર્વનો અનોખો 'ભુરકુંડે' હાટ બજાર, પરંપરા અને આસ્થાનો મહામેળો
  3. હોળીના તહેવારને લઈને અમદાવાદના કાલુપુરમાં ભારે ભીડ, હર્બલ કલર, ઈલેક્ટ્રિક પિચકારની બજારમાં માંગ વધી
  4. દાહોદમાં આદિવાસી ભીલ સમાજની હોળી પર્વની અનોખી ઉજવણી, અસ્થિની થાય છે પૂજા-અર્ચના
Last Updated : March 3, 2026 at 5:19 PM IST