દિલ્હીની રેલીમાં હાજર નહીં રહેનારા સામે કોંગ્રેસની લાલઆંખ, યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયેલી 1 નવેમ્બરની રેલીમાં ગેરહાજર રહેનારા યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે પક્ષે પગલાં લીધા છે.

Published : November 4, 2026 at 9:20 PM IST
અમદાવાદઃ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં હાજર નહીં રહેનારા યુથ કોંગ્રેસના કાર્યકરો પર પક્ષે તવાઈ બોલાવી છે. ગુજરાત યુથ કોંગ્રેસના કુલ 49 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રામલીલા મેદાનમાં 1 નવેમ્બરના રોજ વિપક્ષની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં ગેરહાજર રહેનારા સામે પગલાં
ચૂંટણી પંચ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મોટી રેલી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાંથી પહોંચ્યા હતા. ગુજરાતમાંથી પણ ઘણા નેતાઓ રાહુલ ગાંધીની આ રેલીમાં ગયા હતા. જો કે જે નેતાઓ અને કાર્યકરો આ રેલીમાં નહોતા ગયા તેમની સામે પક્ષે પગલાં લીધા છે અને ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે.

જનરલ સેક્રેટરી સહિત અનેક હોદ્દેદારો સસ્પેન્ડ
દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની વિરુદ્ધમાં યોજાયેલી આ રેલીમાં ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો ગેરહાજર રહેતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલી રેલીમાં ગેરહાજર રહેતાં હોદ્દેદારો સામે પાર્ટીએ કાર્યવાહી કરી છે. જનરલ સેક્રેટરી સહિત અનેક હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ તમામ 49 હોદ્દેદારો પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને પાર્ટીએ પહેલા પણ તેમને નોટિસ આપી હતી.

પહેલા નોટિસ અને પછી કાર્યવાહી
યુથ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો ઘણા સમયથી નિષ્ક્રિય હતા. આ પહેલાં તેમને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી.ત્યારબાદ આ હોદ્દેદારો 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યાં હતા. ત્યારબાદ યુથ કોંગ્રેસ દ્વારા 49 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઘણા જિલ્લાઓના યુથ કોંગ્રેસ પ્રમુખ, સચિવ, જનરલ સેક્રેટરી સહિતના હોદ્દેદારો સામેલ છે.

આ પણ વાંચોઃ
દેશદ્રોહ અને વિદેશી જોડાણના મુદ્દે રાહુલ ગાંધીએ PM મોદીને ખુલ્લી ચર્ચાનો આપ્યો પડકાર

