રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસ તેજ, માત્ર 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ
સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીની તબીબી સારવાર તેમજ પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.

Published : January 3, 2026 at 8:54 PM IST
ગાંધીનગર : જિલ્લામાં 4 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના ગંભીર કેસમાં ગાંધીનગર પોલીસે પ્રશંસનીય ઝડપ દાખવી છે. ઘટનાના માત્ર 17 દિવસમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવાઈ છે, જે સંવેદનશીલ કેસોમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
15 ડિસેમ્બરના રોજ ગાંધીનગર શહેરના સેક્ટર-24 વિસ્તારમાં એક 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નાની બાળકી સાથે થયેલી આ જઘન્ય ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીની તબીબી સારવાર તેમજ પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસે કોઈ વિલંબ કર્યા વગર ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર તપાસમાં ઘટનાસ્થળના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા, બાળકીનો મેડિકલ અને FSL પરીક્ષણ કરાવ્યો, આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવ્યા, મોબાઇલ અને ટેકનિકલ ડેટાનું વિશ્લેષણ કર્યું, સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે.
આ કેસમાં FSL રિપોર્ટ અને ટેક્નિકલ એવિડન્સ તપાસનો આધારસ્તંભ બન્યા છે. FSL રિપોર્ટ દ્વારા ગુનાને મજબૂત વૈજ્ઞાનિક આધાર મળ્યો છે, જ્યારે મોબાઇલ ડેટા અને અન્ય ટેક્નિકલ પુરાવાઓએ આરોપીની ભૂમિકા સ્પષ્ટ કરી છે. આ તમામ પુરાવાઓને કાયદેસર રીતે સંકલિત કરી ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી કેસ કોર્ટમાં મજબૂત રીતે રજૂ કરી શકાય.
સઘન અને સતત તપાસના પરિણામે ગાંધીનગર પોલીસે દુષ્કર્મની ઘટનાના માત્ર 17 દિવસમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. સામાન્ય રીતે આવા ગંભીર કેસોમાં તપાસ લાંબી ખેંચાતી હોય છે, ત્યારે આ ઝડપી કાર્યવાહી પોલીસની કાર્યક્ષમતાનું ઉદાહરણ ગણાઈ રહી છે.
કાયદાકીય પ્રક્રિયા આગળ શું?
ચાર્જશીટ ફાઇલ થયા બાદ હવે કેસની આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
આ ઘટના એક તરફ સમાજ માટે ચેતવણીરૂપ છે, તો બીજી તરફ પોલીસની ઝડપી કાર્યવાહી એ સંદેશ આપે છે કે આવા જઘન્ય ગુનાઓ સામે કાયદો સખત છે. બાળ સુરક્ષા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે આવી છે.
આ પણ વાંચો...

