ETV Bharat / state

'દેવાદાર ગુજરાત', રાજ્ય પર ₹3.99 લાખ કરોડનું દેવું, વિધાનસભામાં સરકારે આપી માહિતી

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલના લેખિત જવાબમાં નાણાં વિભાગે ગુજરાત રાજ્ય પર દેવાને લઈને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પર ₹3.99 લાખ કરોડનું દેવું
ગુજરાત રાજ્ય પર ₹3.99 લાખ કરોડનું દેવું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 8:32 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત રાજ્ય પર કુલ બાકી જાહેર દેવું રૂ.3 લાખ 99 હજાર 633 કરોડ હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલના લેખિત જવાબમાં નાણાં વિભાગે આ વિગતવાર માહિતી રજૂ કરી હતી.

સરકારના જવાબ મુજબ, કેન્દ્રીય દેવું વર્ષ 2000-01થી 2024-25 દરમિયાન 7થી 50 વર્ષની મુદ્દત માટે લેવામાં આવ્યું છે. ઉપરાંત N.S.S.F. (નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ) લોન વર્ષ 1999-00થી 2015-16 દરમિયાન 10થી 25 વર્ષની મુદ્દત માટે લેવામાં આવી હતી. આ સિવાય બજાર લોન અને વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ કર્જ લેવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું.

ચુકવણીના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023-24 દરમિયાન કેન્દ્રીય દેવા પર 510 કરોડ વ્યાજ અને 1177 કરોડ મુદ્દલ ચૂકવવામાં આવ્યું. વર્ષ 2024-25માં 579 કરોડ વ્યાજ અને 835 કરોડ મુદ્દલ ચૂકવાયું.

N.S.S.F. લોન માટે વર્ષ 2023-24માં 2390 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદ્દલ ચૂકવાયું. વર્ષ 2024-25માં 2038 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદ્દલની ચુકવણી થઈ છે.

બજાર લોનનો બોજો વધુ દેખાઈ રહ્યો છે. વર્ષ 2023-24માં 21,305 કરોડ વ્યાજ અને 18,551 કરોડ મુદ્દલ ચૂકવાયા હતા. જ્યારે વર્ષ 2024-25માં 22,440 કરોડ વ્યાજ અને 21,922 કરોડ મુદ્દલની ચુકવણી નોંધાઈ છે. નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાયેલા કર્જ માટે વર્ષ 2023-24માં 758 કરોડ વ્યાજ અને 2779 કરોડ મુદ્દલ ચૂકવાઈ.

વર્ષ 2024-25માં 888 કરોડ વ્યાજ અને 2701 કરોડ મુદ્દલ ચૂકવાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના બજેટમાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયા માત્ર વ્યાજ અને મુદ્દલની ચુકવણી માટે ફાળવવા પડે છે. વિરોધ પક્ષનો સવાલ છે કે આટલા મોટા દેવા સાથે વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ પર કેટલી અસર પડે છે?

સરકારનો દાવો છે કે, રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત છે, અને તમામ ચુકવણીઓ સમયસર કરવામાં આવી રહી છે. તેમ છતાં, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ રાજ્યના દેવાના વધતા ભાર અને ભવિષ્યના નાણાકીય આયોજન અંગે નવી ચર્ચા જગાવી છે. હવે નજર રહેશે કે આવનારા વર્ષોમાં દેવાનું પ્રમાણ કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે અને વિકાસ સાથે નાણાકીય સંતુલન કેવી રીતે જાળવવામાં આવે છે.