જુનાગઢ જિલ્લાના ડેમો સૌની યોજનાથી ભરાશે, વરસાદની સતત ઘટના કારણે લેવાયો નિર્ણય
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝોન કચેરીએથી મંજૂરી મળતા જ જૂનાગઢ જિલ્લાના તમામ ડેમોને તબક્કા વાર સૌની યોજનાથી ભરવાનું આયોજન કરાયું છે.

Published : August 29, 2026 at 8:26 PM IST
જુનાગઢ: સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વરસાદની ખૂબ મોટી ઘટ આજના દિવસે પણ નોંધાઈ છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના નાના-મોટા મળીને કુલ 14 જેટલી સિંચાઈ યોજનાઓને સૌની યોજના થકી પાણીથી ભરવાનો નિર્ણય સિંચાઈ વિભાગ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યો છે. વિભાગના અધિક્ષક ઇજનેર એમ.એમ.પાંચા દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના અધિક્ષક ઇજનેર કચેરી રાજકોટ ખાતે કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝોન કચેરીએ થી મંજૂરી મળતા જ જૂનાગઢ જિલ્લાના તમામ ડેમોને તબક્કા વાર સૌની યોજનાથી ભરીને પીવાના પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટેનું આગવું આયોજન શરૂ કર્યું છે.
જુનાગઢ જિલ્લાના ડેમો ભરાશે સૌની યોજનાથી
સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતે પાછલા બે દશકાનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ અને તેનું પ્રમાણ આ વર્ષે ખૂબ ચિંતાજનક બની રહ્યું છે. તેની વચ્ચે જુનાગઢ જિલ્લામાં આવેલા તમામ 14 જળાશયો કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, અને ચોમાસા દરમિયાન સંગ્રહ થયેલું પાણી વર્ષ દરમિયાન પીવાના અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય છે, પરંતુ આ વખતે જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિ સામાન્ય વરસાદને કારણે તમામ ડેમોને સૌની યોજના થકી ભરવાનું આયોજન જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડેમોને યોજના થી ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ઓફિસ રાજકોટ ખાતે વિધિવત દરખાસ્ત કરીને તમામ ડેમોને તબક્કા વાર સૌની યોજનાથી ભરાઈ તેવું આયોજન સિંચાઈ વિભાગ જુનાગઢ દ્વારા કરાયું છે.
અધિક્ષક ઇજનેર દ્વારા આપવામાં આવી વિગતો
જુનાગઢ જિલ્લા અધિક્ષક ઈજનેર સિંચાઈ વિભાગ એમ એમ પાંચા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર જુનાગઢ જિલ્લામાં કુલ ૧૪ જેટલી નાની મોટી સિંચાઈ યોજનાઓ આવી છે, જેમાં જિલ્લાની સૌથી મોટી ઓજત 2 સિંચાઈ યોજના જે 11.73% પાણીથી ભરેલી છે. સૌથી વધારે પીવાના પાણીનો ઉપયોગ આ સિંચાઈ યોજના માંથી કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં પીવાના પાણીની સ્થિતિને ધ્યાને લઈને સૌ પહેલા આ યોજનાને સૌની યોજનાથી ભરવાનું આયોજન કરાયું છે. ખડીયા નજીક આવેલ આણંદપુર સિંચાઈ યોજના પણ 64% ભરેલી છે. જેમાંથી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી લેવામાં આવે છે, જેને પણ સૌની યોજના થી ભરવાનું આયોજન થયું છે. 29 ઓગસ્ટ 2026ની સ્થિતિએ માણાવદર નજીક આવેલ બાંટવા ખારો ડેમ 64 ટકા, વંથલી નજીક આવેલ સિંચાઈ યોજના 13 ટકા, શાપુર જળાશય 03 ટકા, વંથલીના ટીકર નજીક આવેલ ટીકર સિંચાઈ યોજના 3 %, માણાવદર નજીક આવેલ શેરડી જળાશય ૮૪ ટકા, મેંદરડા નજીક આવેલ મધુવંતી સિંચાઈ યોજના 41%, મઘરડી સિંચાઈ યોજના 17% ભેસાણ નજીક આવેલ મોટા ગુજરીયા સિંચાઈ યોજના 25 અને ગળથ સિંચાઈ યોજના 02 ટકા તેમજ ભેસાણ નજીક આવેલ કેરાળા સિંચાઈ યોજના 80% અને ભેસાણ નજીક આવેલ ઉબેણ સિંચાઈ યોજના 12 ટકા પાણીથી ભરેલી આજના દિવસે જોવા મળે છે. આવનારા દિવસોમાં પાણીની સંભવત સ્થિતિને ધ્યાને રાખીને આ તમામ સિંચાઈ યોજનાઓને તબક્કા ભાર સૌની યોજનાથી ભરવાનું આયોજન સિંચાઈ વિભાગ જુનાગઢ દ્વારા કરાયું છે.
વરસાદની ઘટ થી પાણીની સમસ્યા
આજના દિવસે હજુ પણ જુનાગઢ જિલ્લામાં વરસાદની ખૂબ મોટી ઘટ જોવા મળે છે, તેને પગલે મે મહિનામાં તમામ સિંચાઈ યોજના માંથી ખેડૂતોને નિર્ધારિત કરેલ પાણીનો જથ્થો પિયત માટે સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવી ચૂક્યો છે. વરસાદની ઘટને કારણે હવે ખેડૂતો પણ પિયતના પાણીને લઈને આયોજન કરે તો ઓછા વરસાદની સ્થિતિમાં પણ કૃષિ પાકોને બચાવી શકાય. હાલ તો સિંચાઈ વિભાગ દ્વારા તમામ ડેમોને સૌની યોજનાથી ભરવાનું કામ પ્રારંભિક તબક્કામાં છે, જેનો સૌથી પહેલો ઉદ્દેશ્ય લોકોને પીવાનું પાણી મળી રહે, તે બાબતે ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે, ત્યારબાદ સિંચાઈ માટે જળાશયો માંથી પાણી આપવાને લઈને સરકારના નીતિ નિયમો અને ધારા ધોરણ બાદ સરકાર માંથી કોઈ અંતિમ આદેશ આવ્યે સિંચાઈના પાણીને લઈને પણ કોઈ અંતિમ નિર્ણય થઈ શકે.
આ પણ વાંચો

