રાજુલા અને આસપાસના વિસ્તારમા ભારે વરસાદ, દરિયો ફરી ગાંડોતૂર બન્યો, જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
પ્રથમ જ વરસાદમાં અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોના ખેતરો પાણીથી છલકાઈ જતા ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. બીજી તરફ જાફરાબાદના દરિયામા મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.

Published : July 5, 2026 at 11:10 AM IST
અમરેલી: રાજુલા શહેર બાદ જાફરાબાદ–પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતા સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહેતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે દરિયાએ ફરી તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા હતા. હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું હતું, જેથી માછીમારો અને બોટ સંચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.
જાફરાબાદ તાલુકાના કાગવદર, ભટવદર, સરોવડા, મીઠાપુર, નાગેશ્રી, લોઠપૂર, કંથારીયા સહિત મોટાભાગના ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ ગ્રામ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા.
વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પ્રથમ જ વરસાદમાં કેટલાક વિસ્તારોના ખેતરો પાણીથી છલકાઈ જતા ખેતરો પાણી-પાણી થયા હતા.
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો દ્વારા વરસાદની માત્રા અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

