ડાંગમાં બારે મેઘ ખાંગા, વઘઈ તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ, નદીઓ ગાંડીતૂર અનેક માર્ગો બંધ
સતત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 36 માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Published : July 4, 2026 at 6:57 AM IST
|Updated : July 4, 2026 at 7:30 AM IST
આહવા, ડાંગ: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં શુક્રવારે 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. સતત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 36 માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને અવરોધાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા તથા વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરી છે.
વઘઈ તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ
જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તા. 3 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આહવા તાલુકામાં 183 મી.મી., વઘઈ તાલુકામાં સૌથી વધુ 317 મી.મી. અને સુબીર તાલુકામાં 156 મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર જિલ્લામાં સરેરાશ 218.67 મી.મી. વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ વધીને 394 મી.મી. થયો છે. તાલુકાવાર મોસમી વરસાદની વાત કરીએ તો આહવામાં કુલ 379 મી.મી., વઘઈમાં 499 મી.મી. અને સુબીરમાં 304 મી.મી. વરસાદ નોંધાયો છે.
વાહન વ્યવહાર ઠપ્પ
ભારે વરસાદને કારણે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 36 માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણ કે આંશિક રીતે બંધ થઈ ગયો હતો. તેમાં વઘઈ તાલુકાના સૌથી વધુ 30 માર્ગો, આહવા તાલુકાના 5 માર્ગો અને સુબીર તાલુકાનો 1 માર્ગ અસરગ્રસ્ત બન્યો છે. ક્યાંક કોઝવે ઉપરથી પાણી વહેતા થયા છે તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવરટોપિંગ થતાં માર્ગો બંધ કરવાની ફરજ પડી છે.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના ૩૭ માર્ગો અવરોધાયા છે.
— Roads & Buildings Department, Govt. of Gujarat (@RnBGujarat) July 3, 2026
રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા માર્ગો પર પડેલા વૃક્ષો દૂર કરવા, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં રાહતની કામગીરી હાથ ધરાઈ..#RnBGujarat #Dang pic.twitter.com/fS7hVWDWWn
વઘઈ તાલુકાના 30 માર્ગો સૌથી વધુ અસરગ્રસ્ત
વઘઈ તાલુકામાં માનમોડી-બેડારમાળ-નિંબારપાડા રોડ, કાંચનપાડાથી સુરગાણા રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, ખાતળ ફાટકથી ધોડી રોડ, ધોડવહળ વી.એ. રોડ, મોટીદાબદર-લહાનદાબદર-નાનપાડા રોડ, દોડીપાડા-દગડીઆંબા-બેડમાળ રોડ, દોડીપાડા-ચિકાર ફળિયા રોડ, ડુંગરડા વી.એ. રોડ, માછળી-ખાતળ રોડ, પાતળી-ગોદડીયા રોડ, ગોદડીયા-પાંડરમાળ રોડ, દોડીપાડા-બરડા રોડ, માછળી-ચીખલા-દિવડ્યાવન રોડ, ધાંગડી-કાનત ફળિયા રોડ, દગુનીયા વી.એ. રોડ, બાજ મેઈન રોડથી મલિન રોડ, આહેરેડી-નડગચોંડ રોડ, નિંચલા ફળિયા-કોયલીપાડા રોડ, ભેંસકાતરી-કાકરદા-ભોગડીયા-એન્જીપાડા રોડ, ચિખલદા વી.એ. રોડ, ભદરપાડા-ચિંચોડ રોડ, આહેરેડી-બોરદહાડ રોડ, ગીરા-દાબદર રોડ, ચિકાર-તળાવ ફળિયા રોડ, પાંઢરમાળ-ઉપલા ફળિયા રોડ, મેઈન રોડથી આંબાપાડા-ચિંચપાડા-ઉગા રોડ, સુસરદા વી.એ. રોડ તેમજ કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ સહિત કુલ 30 માર્ગો અવરોધાયા છે.
આહવા અને સુબીર તાલુકામાં પણ માર્ગો બંધ
આહવા તાલુકામાં જાખાના-કોટમદર રોડ, બારીપાડા-ચિરાપાડા રોડ, રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, ચિકટ્યા-ગાઢવી રોડ અને ભવાનદગઢ-ધુળચોંડ-આમસરવલણ રોડ મળી પાંચ માર્ગો બંધ કરાયા છે. જ્યારે સુબીર તાલુકામાં ઢોગીઆંબા-લહાનકસાડ-મોટીકસાડ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો.

જિલ્લા તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ
જિલ્લા વહીવટી તંત્રે વાહનચાલકો, રાહદારીઓ, ખેડૂતો અને પશુપાલકોને અવરોધાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા અને સૂચવાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. વરસાદી પાણી ભરાયેલા માર્ગો, કોઝવે અને પુલ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તંત્ર
ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, અને તમામ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. સંભવિત આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લાઇન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું કાર્યસ્થળ ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક કામગીરી કરી શકાય.

પર્યટકો માટે ખાસ ચેતવણી જાહેર
ચોમાસામાં ડાંગના જળધોધ, નદી-નાળા અને હરિયાળાં ડુંગરો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે જોખમી સ્થળોએ સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરવા, નદી-નાળા અને જળધોધમાં ઉતરવાનું ટાળવા, જાહેર સ્થળોએ આડેધડ વાહનો પાર્ક ન કરવા તેમજ વરસાદી પાણી ભરાયેલા માર્ગો અને પુલો પરથી પસાર ન થવા અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવતી ટીમો અને સ્વયંસેવકોને સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
કંટ્રોલ રૂમના નંબર જાહેર
કોઈપણ અનિચ્છનીય બનાવ કે આપત્તિની સ્થિતિમાં નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02631-220347, વૈકલ્પિક મોબાઈલ નંબર 6355820252 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી મદદ મેળવી શકે છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ નાગરિકોને સાવચેતી રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

