ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટે AI સાઇટેશનના ખોટા ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી, અર્ધ-ન્યાયિક સત્તા માટે ગાઇડલાઇનની માંગ

ગુજરાત હાઈકોર્ટે AI દ્વારા જનરેટ થયેલા ખોટા કાયદાકીય સાઇટેશનના ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત હાઇકોર્ટે AI સાઇટેશનના ખોટા ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી
ગુજરાત હાઇકોર્ટે AI સાઇટેશનના ખોટા ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 4:18 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે AI દ્વારા જનરેટ થયેલા ખોટા કાયદાકીય સાઇટેશનના ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કેસમાં અરજદાર મહરબા ઓવરસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડિશનલ કમિશ્નર, Central Goods and Services Tax (CGST)ના સપ્ટેમ્બર 2025ના હુકમને પડકારવામાં આવ્યો હતો.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે CGST કમિશનરના ઓર્ડરમાં એવા અનેક ચુકાદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે અસ્તિત્વમાં જ નથી, અથવા તો જે કેસ સાથે કોઈ સંબંધ જ ધરાવતા નથી. કેટલાક ચુકાદા જે કોર્ટના નામે ટાંકવામાં આવ્યા હતા, તે હકીકતમાં અન્ય અદાલતના હોવાનું બહાર આવ્યું હતું.

એક કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરાયો હતો, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે એવો કોઈ ચુકાદો અસ્તિત્વમાં નથી. વકીલોના સંશોધનથી સામે આવ્યું કે જે નિર્ણયનો સંદર્ભ અપાયો હતો તે હકીકતમાં ઝારખંડ હાઇકોર્ટનો હતો અને તે પણ અરજદારની તરફેણમાં હતો. ઉપરાંત કેટલાક સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ ક્લાસિફિકેશન અને રિફંડ સંબંધિત મુદ્દાઓમાં કરવામાં આવ્યો હતો, જ્યારે અરજદારનો મુખ્ય મુદ્દો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ઉલ્લંઘનનો હતો. એક અન્ય ચુકાદો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો હોવાનું જણાવાયું હતું, પરંતુ તે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટનો હતો.

હાઈકોર્ટે નોંધ્યું કે અધિકારીએ સંદર્ભિત ચુકાદાઓ વાંચ્યા વગર જ AI દ્વારા જનરેટ થયેલા સાઇટેશનનો ઉપયોગ કર્યો હોય તેવું જણાય છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અર્ધ-ન્યાયિક સત્તાધિશો જ્યારે ઉચ્ચ અદાલતોના ચુકાદાઓનો ઉલ્લેખ કરે ત્યારે યોગ્ય ચકાસણી અને જવાબદારી અનિવાર્ય છે. કોર્ટે વધુમાં સૂચન કર્યું કે અર્ધ-ન્યાયિક સત્તાઓ માટે કાયદાકીય સાઇટેશન ટાંકવા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. આ મામલે હાઈકોર્ટે અરજદારને વચગાળાની રાહત આપી છે અને વધુ સુનાવણી 12 માર્ચ, 2026ના રોજ નિર્ધારિત કરી છે.

આ પણ વાંચો: