ETV Bharat / state

ગુજરાત સરકારનું વધતું દેવું, બે વર્ષમાં જ ભારે ઉછાળા સાથે દેવું ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા

વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલ અંદાજ મુજબ આ દેવું વધીને ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા થયું છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 19, 2026 at 3:13 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત રાજ્યના નાણાકીય આંકડાઓએ ચિંતા વધારી છે. વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં નાણામંત્રીએ વિધાનસભામાં રાજ્યના કુલ દેવું, વ્યાજ અને મુદ્દલ ચુકવણી અંગે વિગતવાર માહિતી આપી છે.

રજૂ થયેલા આંકડાઓ દર્શાવે છે કે રાજ્ય પર દેવાનું બોજું સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત રાજ્યનું કુલ દેવું ૩,૫૨,૭૧૮ કરોડ રૂપિયા હતું. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલ અંદાજ મુજબ આ દેવું વધીને ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા થયું છે. માત્ર એક જ વર્ષમાં અંદાજે ૪૬,૯૧૫ કરોડ રૂપિયાનું વધારું નોંધાયું છે, જે રાજ્યની નાણાકીય દિશા અંગે પ્રશ્નો ઉભા કરે છે.

દેવા સાથે વ્યાજનું બોજું પણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સરકારે કુલ ૨૪,૯૬૪ કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલ અંદાજ મુજબ વ્યાજની રકમ વધીને ૨૫,૯૪૫ કરોડ રૂપિયા થઈ છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના આવકના મોટા હિસ્સા પર વ્યાજની અસર પડી રહી છે.

મુદ્દલ ચુકવણીમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૬,૧૩૬ કરોડ રૂપિયા મુદ્દલ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંકડો વધીને ૨૯,૦૮૬ કરોડ રૂપિયા થયો છે. એટલે કે દેવાના મૂળ રકમની ચુકવણીમાં પણ વધારો થયો છે.

આ સમગ્ર મામલે હવે રાજકીય ચર્ચા તેજ બનવાની શક્યતા છે. વિપક્ષ રાજ્યના વધતા દેવા મુદ્દે સરકારને ઘેરી શકે છે, જ્યારે સરકાર વિકાસ કાર્યો અને મૂડી ખર્ચને કારણે દેવામાં વધારો થયો હોવાનો તર્ક રજૂ કરી શકે છે.

રાજ્યના નાણાકીય સ્વાસ્થ્ય માટે આ આંકડાઓ મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં દેવાનું પ્રમાણ કેવી રીતે નિયંત્રિત થાય છે અને રાજ્ય આવક વધારવા માટે કયા પગલાં લે છે, તે પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: