ટીબી મુક્ત ગુજરાત માટે સરકારનો મોટો એક્શન પ્લાન, 26 ભલામણો પર તાત્કાલિક અમલનો આદેશ
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં 26 ભલામણોના અમલીકરણ પર ચર્ચા થઈ.

Published : September 2, 2026 at 7:30 PM IST
ગાંધીનગર: રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી 26 મુખ્ય ભલામણોના ઝડપી અમલીકરણ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ચેપી રોગો, માતા-બાળ આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર
બેઠકમાં ચેપી રોગોના નિયંત્રણ, માતા અને બાળ આરોગ્ય તેમજ માનસિક સ્વાસ્થ્યને લગતી ભલામણો પર પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભલામણો માત્ર કાગળ પર ન રહે, પરંતુ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરી પાયાના સ્તરે પરિણામલક્ષી રીતે તેનો અમલ થાય તે જરૂરી છે.
ક્ષયમુક્ત ગુજરાત માટે વિશેષ એક્શન પ્લાન
તાલુકા અને જિલ્લાઓને ‘ક્ષયમુક્ત’ બનાવવાનો લક્ષ્યાંક, બાંધકામ અને ઔદ્યોગિક સાઇટ્સના શ્રમિકો માટે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ, ક્ષયના દર્દીઓમાં કુપોષણથી થતા મૃત્યુ અટકાવવા જિલ્લાવાર એક્શન પ્લાન, દર્દીઓને પોષણ સહાય અને દવાઓની નિયમિતતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવશે.

માતા અને કિશોરી આરોગ્ય માટે વિશેષ આયોજન
ચોમાસા દરમિયાન પૂર કે અન્ય કુદરતી પરિસ્થિતિના કારણે સંપર્કવિહોણા બનતા અંતરિયાળ વિસ્તારો માટે ખાસ રેફરલ પ્રોટોકોલ સાથેની આરોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ વિશેષ હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરાશે. આશ્રમશાળાઓમાં RBSK ટીમો દ્વારા તરુણ-તરુણીઓમાં આરોગ્ય અને પોષણ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

માતા-શિશુ મૃત્યુદર ઘટાડવા સઘન ટ્રેકિંગ
PHC અને CHC કેન્દ્રો દ્વારા ગર્ભવતી માતાઓનું શરૂઆતથી જ સઘન ટ્રેકિંગ કરવામાં આવશે. માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં મહત્તમ ઘટાડો લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવશે. શ્રમિક પરિવારો અને ગર્ભવતી માતાઓના 100 ટકા રસીકરણ માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

આરોગ્ય મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળેલા ફીડબેકની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે આસ્થા અને પૂજા-અર્ચનાનું પોતાનું સ્થાન છે, પરંતુ સગર્ભા માતા કે બાળકના આરોગ્યની વાત આવે ત્યારે અંધશ્રદ્ધામાં સમય વેડફવો નહીં. આવા કિસ્સામાં દર્દીને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જઈ તબીબી સારવાર અપાવવી જરૂરી છે. આ અંગે ગ્રામ્ય સ્તરે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા આરોગ્ય ટીમો અને સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.
છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ પંચાયત, મહિલા અને બાળ વિકાસ, શ્રમ તથા શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધીને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદમાં થયેલી ભલામણોનો સમયબદ્ધ અમલ થાય અને તેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે તે દિશામાં વિભાગોને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો...

