રાજપીપળામાં મંદિરના જૂના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યાં, ગુજરાતની પ્રથમ ઘટના
રાજપીપળામાં મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળ્યા, વન વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Published : January 8, 2026 at 8:06 PM IST
રાજપીપળા: થોડા સમય પહેલા ગુજરાતમાં 30 વર્ષ પછી વાઘ દેખાયો હતો ત્યારે હવે રાજપીપળા નજીક ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી ઘટના સામે આવતા વન વિભાગ ચોંકી ગયું છે અને વધુ તપાસ હાથ ધરી છે.
રાજપીપળામાં મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળ્યા
રાજપીપળા શહેર નજીક આવેલા ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. આ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. સર્ચ ઓપરેશનમાં 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા, 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.
"રાજપીપળા રેન્જ ઓફિસમાં આ ઘટનાની ખરાઇ કરતા શંકાસ્પદ પેટીમાંથી 40થી વધારે ચામડા મળી આવ્યા હતા જે ઉપરથી વાઘના લાગે છે પણ શેના છે તેને FSLમાં મોકલવામાં આવ્યા બાદ જાણી શકાશે. 133 નખ પણ મળ્યા છે અને તે સાચા છે કે ખોટા તેની ખરાઇ કરવામાં આવી રહી છે. વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી ઘટનાની સરકારને જાણ કરવામાં આવી છે." જીગ્નેશ સોની, RFO, રાજપીપળા
જાનવરના અવશેષો 35 વર્ષ જૂના હોવાની શક્યતા
વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જોકે, આ વસ્તુઓ અસલી છે કે નકલી તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમુનાઓ FSLમાં મોકલી આપ્યા છે. મંદિરમાં રહેતા મહારાજ, જેઓ મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે, તેમનું ગત 7 જુલાઈ, 2025 ના રોજ નિધન થયું છે. આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે જ્યાં મહારાજ રહેતા હતા.

વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સ્વર્ગીય મહારાજ કોના કોના સંપર્કમાં હતા? આટલો મોટો જથ્થો અહીં ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? શું આ આંતરરાજ્ય તસ્કરીનું કોઈ મોટું આ આંતરરાજ્ય તસ્કરીનું કોઈ મોટું નેટવર્ક છે? વન વિભાગે આ મામલે ફોરેસ્ટ અધિનિયમ (તસ્કરી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:

