રાજ્યના પોલીસ વડા નિવૃતિ પહેલા પંચમહાલની મુલાકાતે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું ગોધરામાં જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી એસઆરપી બેન્ડની સુરાવલી સાથે સ્વાગત કરવામાં આવ્યું

Published : December 30, 2025 at 9:14 AM IST
ગોધરા: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય 31 ડિસેમ્બરે વય નિવૃત થઇ રહ્યાં છે. વિકાસ સહાયે પોલીસ કારકિર્દીની શરૂઆત ગોધરામાં ASP તરીકે કરી હતી. હવે રાજ્યના પોલીસ વડા રિટાયર્ડ થઇ રહ્યા છે ત્યારે ફરી એક રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગોધરા પહોંચેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું પંચમહાલ રેન્જ આઈજી દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. તે બાદ જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે તેમને પંચમહાલ રેન્જમાં સમાવેશ જીલ્લાના પોલીસવડા તેમજ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વિકાસ સહાયે પોતાની કારર્કિદીની શરુઆત ગોધરા ખાતેથી કરી હતી. ગોધરા શહેરના સામાજીક અગ્રણીઓ દ્વારા પણ તેમનુ સન્માન કરવામા આવ્યુ હતું.
વિકાસ સહાયનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત
ગોધરા ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સિવિલ લાઇન્સ રોડ પર આવેલી જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી એસઆરપી બેન્ડની સુરાવલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જીલ્લા રેન્જ આઇજી રાજેન્દ્ર અસારીએ તેમનું પૃષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

પંચમહાલ પોલીસના રેન્જ આઇજી રાજેન્દ્ર અસારી, પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાત, મહિસાગર જીલ્લા પોલીસ વડા સફીન હસન તેમજ દાહોદ જીલ્લા પોલીસ વડા રવિરાજ સિંહ જાડેજા સહિત જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકો, તેમજ પોલીસ અધિકારીઓ, એસઆરપી પોલીસના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ,પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યના પડકારો, જનસુરક્ષાને મજબુત બનાવાને લઈને મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ અને પોલીસદળની કાર્યક્ષમતા અને શિસ્તની પ્રંસશા કરી હતી. સાથે સાથે તેમને પોલીસ વિભાગમાં પ્રમોશન મળેલા અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.


"ગોધરાની મુલાકાત લીધી અને પંચમહાલ રેન્જના ત્રણેય જીલ્લાના પોલીસ વડા તેમજ ડીવાયએસપી અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મારા કાર્યકાળમાં અનેક વખત ગોધરા આવવાની તક મળી છે. જે જીલ્લાથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી તે જગ્યાએ ફરી મુલાકાત કરીએ અને પોલીસ અધિકારીઓને પણ મળીયે, પોલીસની પ્રોફેશનલ બાબતોની પણ ચર્ચા કરીએ." વિકાસ સહાય, રાજ્યના પોલીસ વડા
1989 બેચના IPS અધિકારી છે વિકાસ સહાય
મહત્ત્વપૂર્ણ છે કે વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ વિભાગમાં જોડાયા બાદ તેઓને ASP તરીકે ગોધરા ખાતે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. 1999માં તેઓ આણંદ જીલ્લાના એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્યના SP અને તે બાદ અમદાવાદમાં DCP (ઝોન-2 અને 3), સુરતમાં રેન્જ-1ના એડિશનલ CP અને જોઇન્ટ CP તરીકે પણ ફરજ બજાવી છે. દેશની પ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંસ્થાપક ડિરેક્ટર જનરલ પણ રહ્યા છે. વર્ષ 1998-99 દરમિયાન તેઓ બોસ્નિયા-હર્ઝેગોવિનામાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ રક્ષક મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે, તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને બે સર્વોચ્ચ પોલીસ સમ્માન રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ મળ્યા છે.
આ પણ વાંચો:

