'100 કલાકમાં આ કામગીરી પૂરી કરો', તમામ જિલ્લાની પોલીસને DGPનો આદેશ, રાષ્ટ્રવિરોધી તત્વો સામે પોલીસનું અભિયાન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યો છે.

Published : November 17, 2025 at 7:37 PM IST
|Updated : November 17, 2025 at 7:43 PM IST
અમદાવાદ: દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના અને ગુજરાતમાંથી 3 આતંકીઓ પકડાવાની ઘટના બાદ રાજ્યની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઘટના બાદ રાજ્યભરના અનેક સ્થળોએ પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા 100 કલાકમાં પૂર્ણ કરવા પણ તેમણે પોલીસને નિર્દેશ કર્યો છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, 8 નવેમ્બરે ગુજરાતની ATSએ 3 રાષ્ટ્રવિરોધી તત્વોની અટકાયત કરી હતી અને તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. બીજા દિવસે ફરિદાબાદમાં પણ રાષ્ટ્રવિરોધી તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તે જ દિવસે દિલ્હીમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવી અને એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં જે રાષ્ટ્રવિરોધી તત્વો સામે ગુનો દાખલ થયા છે તેવા તમામ વ્યક્તિની ચેકિંગ તાત્કાલિક કરવામાં આવે.
Gujarat Police has vigorously started checking all accused of last 30 years who were involved in anti national activities. Instructions have been issued that this checking should be completed in the next 100 hours by all Police Stations. @GujaratPolice remains ever vigilant to… pic.twitter.com/8DFMW4ZxoB
— DGP Gujarat (@dgpgujarat) November 17, 2025
તેઓ આગળ કહે છે, આ પ્રક્રિયા સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. આજે દરેક પોલીસ સ્ટેશનને તાકીદ કરવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ ચેકિંગ, વેરિફિકેશનની કામગીરી છે તે આવતા 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુના દાખલ થયા છે તેવા તમામ આરોપીનું વેરિફિકેશન, આ પછી તેમનું ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આવતા 100 કલાકમાં પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:

