ETV Bharat / state

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: સુરેન્દ્રનગર-નવસારીમાં ધો.10ના વિદ્યાર્થીઓવને ગુલાબનું ફુલ આપી આવકારાયા

ગુજરાતમાં અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે.

ધો.10 બોર્ડની પરીક્ષા શરૂ
ધો.10 બોર્ડની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 10:40 AM IST

|

Updated : February 26, 2026 at 2:10 PM IST

6 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને 18મી માર્ચ સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની સ્કૂલોમાં ધો.10ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું તિલક લગાવી અને ગુલાબનું ફુલ આપી શાળાઓ દ્વારા સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી હતી. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર અને પીજીવીસીએલ વિભાગ અને એસટી વિભાગ દ્વારા બેઠકો યોજી અને વિદ્યાર્થીઓને હાલાકીન પડે અને શાંતિપૂર્વક વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા યોજાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને ફુલ આપીને આવકારાયા
સુરેન્દ્રનગરની વિકાસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે એસ યાજ્ઞિક તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા સહિતના અધિકારીઓ દ્વારા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ તેમને તિલક લગાવીને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું હતું અને પેપર સારું જાય તેના શકન રૂપે સાકર આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓનું સ્વાગત (ETV Bharat Gujarat)

જિલ્લામાં 32,208 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 32,208 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં 5000થી વધુ સરકારી કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે. જેમાં 3000 જેટલા પોલીસ કર્મચારીઓ અને 2000 જેટલા શિક્ષણ વિભાગના કર્મચારીઓને ઉભા પગે તૈનાત રાખી અને બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા તમામ વર્ગખંડોમાં કે જ્યાં પરીક્ષા યોજાતી હશે ત્યાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અને ડિપ્રેશન વગર પરીક્ષા આપે તે માટેના તંત્રએ પણ પ્રયાસો શરૂ કર્યા છે.

1078 વર્ગખંડમાં પરીક્ષા, સીસીટીવીથી ક્લાસરૂપમાં નજર
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1078 જેટલા વર્ગખંડમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એસટી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે, ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પરિવહન માટે હાલાકી ન પડે તે અંગેની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા પીજીવીસીએલ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે.

નવસારીમાં પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓ
નવસારીમાં પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓ (ETV Bharat Gujarat)

પોલીસ વિભાગને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા માટેનો કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, અને તેની બાજ નજર રાખવા માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા ટીમો બનાવવામાં આવી છે. ત્યારે કેન્દ્રો ઉપર પીવાના પાણીની વ્યવસ્થા, યુરીનલની વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ત્યારે તમામ કામગીરીને લઈ અને કર્મચારીઓ કામે લાગ્યા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરીતી ન થાય અથવા તો ચોરી ન થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી શકે તે માટેના પ્રયાસો તંત્રની ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે આ મુદ્દે સુરેન્દ્રનગરમાં રાજકોટ વિભાગ દ્વારા ફ્લાઈંગ સ્કોડ ની ટીમ ઉતારવામાં આવી છે અને તે તમામ શાળાઓ અને કેન્દ્ર ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ જ્યાં પરીક્ષા આપવા જાય છે ત્યાં પીવાના પાણી તેમજ તેમને પહોંચાડવાની વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગે કરી છે આ ઉપરાંત તમામ કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય ત્યારે તેમને પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કેન્દ્ર સુધી મોબાઇલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુલાબનું ફુલ આપી વિદ્યાર્થીઓને આવકારાયા
ગુલાબનું ફુલ આપી વિદ્યાર્થીઓને આવકારાયા (ETV Bharat Gujarat)

નવસારીમાં પણ બોર્ડની પરીક્ષા શરૂ
નવસારી જિલ્લામાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની ઉત્સાહભેર અને શિસ્તપૂર્ણ વાતાવરણ વચ્ચે શરૂઆત કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચ્યા હતા અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ નિર્ભય અને નિર્વિઘ્ન રીતે પરીક્ષા આપી શકાશે.

નવસારી જિલ્લામાં કુલ 34,974 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10માં 20,404 વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે ધોરણ 12માં આર્ટસ અને સામાન્ય પ્રવાહના 9,549 તેમજ વિજ્ઞાન પ્રવાહના 5,021 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા સુચારૂ રીતે યોજાઈ શકે તે માટે જિલ્લામાં કુલ 112 ઇમારતોમાં 1,286 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં 122 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત સાથે CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પારદર્શિતા જળવાઈ રહે અને ગેરરીતિ અટકાવી શકાય.

ભાવનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ
ભાવનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ (ETV Bharat Gujarat)

નવસારી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી તથા શિક્ષકગણે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરીક્ષા પૂર્વે સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને તિલક કરી, મીઠું મોં કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ડર અને હાઉ વિના શાંતિપૂર્વક પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ કે તકલીફ ન પડે તે માટે ‘સારથી’ હેલ્પલાઇન ટીમ કાર્યરત રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ 1800 233 5500 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

ભાવનગરમાં 62500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
ભાવનગર શહેરની વિશુદ્ધાનંદ શાળા ખાતે શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા. શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર ગુજરાત અને ભાવનગરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી તમામને શુભેચ્છાઓ આપી રહ્યો છું. ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 માં કુલ 62,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 332 જેટલા બિલ્ડીંગોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.

ભાવનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ
ભાવનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ (ETV Bharat Gujarat)

પરીક્ષા કેન્દ્ર ઉપર કરવામાં આવેલી વ્યવસ્થા
ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાને પગલે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટેની વ્યવસ્થાઓ કરી લેવાઈ છે. આ સાથે ઘણા સ્થળો ઉપર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યા છે. ગરમીનો પ્રારંભ થયો હોવાથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પાણી સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે. સવારના સેશનમાં ધોરણ 10ની પરીક્ષાઓ અને બપોરના સેશનમાં ધોરણ 12ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

શહેર જિલ્લામાં કુલ વિદ્યાર્થીઓ
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા જોઈએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 41 બિલ્ડીંગ 319 બ્લોક અને 6292 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 69 બિલ્ડિંગમાં 624 બ્લોકમાં 18717 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે ધોરણ 10 માં 132 બિલ્ડિંગમાં 1254 બ્લોકની અંદર 37,501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાના કુલ બિલ્ડીંગ 232 બ્લોક 2197 અને કુલ વિદ્યાર્થીઓ 62510 પરીક્ષા આપવાના છે.

કચ્છમાં 45000 વિદ્યાર્થીઓની કસોટી
કચ્છમાં 45000 વિદ્યાર્થીઓની કસોટી (ETV Bharat Gujarat)

કચ્છ જિલ્લામાં 45 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા
કચ્છ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં આશરે 45 હજારથી વધુ વિદ્યાર્થી આ અગત્યની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પૂર્વ તૈયારી અને વ્યવસ્થાઓની સમીક્ષા જિલ્લા તંત્ર દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, પરીક્ષા પહેલાં કરેલો પુરુષાર્થ ક્યારેય વ્યર્થ જતો નથી. આત્મવિશ્વાસ અને નિર્ભયતા સાથે પરીક્ષા આપવા તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણ વિભાગ અને સમગ્ર ‘ટીમ એજ્યુકેશન’ને પણ શુભકામનાઓ પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ આપતા શાંતિપૂર્ણ અને સુનિયોજિત રીતે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

કચ્છમાં 45000 વિદ્યાર્થીઓની કસોટી
કચ્છમાં 45000 વિદ્યાર્થીઓની કસોટી (ETV Bharat Gujarat)

172 બિલ્ડિંગમાં સુવ્યવસ્થિત આયોજન
જિલ્લામાં કુલ 172 પરીક્ષા બિલ્ડિંગોને તમામ ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. પાંચેય ઝોનની મુલાકાત લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તૈયારીની સમીક્ષા કરી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સકારાત્મક વાતાવરણ મળે તે માટે પુષ્પગુચ્છ, કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા
આ વર્ષે અંદાજે 150 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાક દીઠ 20 મિનિટ વધારાનો સમય આપી કુલ 60 મિનિટ વધારાની સુવિધા આપવામાં આવી છે. ત્રણ કેદીઓ પણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, જેમના માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર બે પુરુષ અને બે સ્ત્રી પોલીસકર્મી તેમજ શિક્ષકની ટીમ છે. 14 કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે અને 30 કેન્દ્રો પર તકેદારી અધિકારીઓ ફરજ બજાવશે. રાજ્ય કક્ષાએથી બે ફ્લાઇંગ સ્ક્વોડ અને જિલ્લા કક્ષાએથી ચાર વિજિલન્સ ટીમો સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.

આ પણ વાંચો:

  1. Board Exam 2026: ભાવનગર શહેરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઇ-બસ સેવા ફ્રી, શું છે નિયમો?
Last Updated : February 26, 2026 at 2:10 PM IST