ગુજરાતમાં ભાજપની 'સરદાર@150' યુનિટી માર્ચનું આયોજન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 182 બેઠકો પર પદયાત્રા
ગુજરાતની તમામ 182 વિધાનસભામાં ભાજપ દ્વારા ‘સરદાર@150‘ યુનિટી માર્ચનું આયોજન કરવામા આવ્યું- જગદીશ વિશ્વકર્મા

Published : November 9, 2025 at 10:30 PM IST
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે તેની તૈયારી આરંભી દીધી છે. ભાજપ દ્વારા તમામ 182 વિધાનસભા બેઠકો પર 'સરદાર@150' યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેનો રોડમેપ રજૂ કર્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે તેઓના સ્મરણ સાથે નવી પેઢી તેમણે દેશ માટે કરેલા અમૂલ્ય કાર્યો અને જીવનમૂલ્યોથી વધારે જાગૃત અને પ્રેરિત થાય અને સમગ્ર દેશમાં એકતાનો સંદેશ પહોંચે તે હેતુથી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ભાજપ દ્વારા દેશની તમામ લોકસભામાં ત્રણ ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે, પણ ગુજરાતમાં તેના કરતાં આગળ વધી વિધાનસભા સ્તરે તમામ 182 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જગદીશ વિશ્વકર્માએ આગળ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ફક્ત દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે જ નહીં પરંતુ આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહોનું સફળ નેતૃત્વ કર્યું હતું. આજે દેશના 140 કરોડ નાગરિકોને ગૌરવ થાય છે કે આઝાદી બાદ દેશના 565 રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણ કરવાનું કાર્ય આપણા ગુજરાતની ધરતીના પુત્ર સરદાર સાહેબે કર્યું હતું. સરદાર સાહેબ માટે વિવિધ પુસ્તકોમાં લખાયું છે કે તેઓ વર્તનમાં વાસ્તવિકતા ધરાવતા, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી, ધ્યેયમાં રાષ્ટ્રવાદી પુરુષ હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા માટે ગૌરવની વાત છે કે 31 ઑક્ટોબર 1875 ના રોજ આપણા ગુજરાતના હાલ આણંદ જિલ્લાના કરમસદ ખાતે સરદાર સાહેબનો જન્મ થયો હતો. તેઓએ તેમના કાર્યો થકી સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી છાપ છોડી છે. બેરિસ્ટર થયા બાદ તેઓ આઝાદીની ચળવળમાં સતત જોડાયેલા રહ્યા. 1928 માં સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વ અને સક્રિય ભૂમિકા થી તેઓને સરદાર નું બિરૂદ મળ્યું. તેઓ 9 ફેબ્રુઆરી 1924 થી 13 એપ્રિલ 1928 સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે પણ રહ્યા છે.
ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ગુજરાતમાં યોજાનાર 'સરદાર@ 150' યુનિટી માર્ચના સંદર્ભે આજે કર્ણાવતી મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ પત્રકાર પરિષદને સંબોધી.
— BJP Gujarat (@BJP4Gujarat) November 9, 2025
આ પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી શ્રી… pic.twitter.com/aQ6vMmKHRw
ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું, કોંગ્રેસે સરદાર સાહેબ સાથે સતત અન્યાય કર્યો, તેમને ભૂલી જવામાં અને તેમનું અપમાન કરવામાં કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. કોંગ્રેસને સરદાર પટેલને ભારત રત્ન આપવામાં 41 વર્ષ લાગ્યા અને છેક 1991 માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યું.
પદયાત્રાનો રોડ મેપ
- 8 નવેમ્બરે ગુજરાતમાં જૂનાગઢથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે.
- 16 નવેમ્બરે નિકોલમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે.
- આ ઉપરાંત 17 નવેમ્બરે ઘાટલોડિયા વિધાનસભામાં આયોજિત પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાશે. પ્રત્યેક વિધાનસભામાં ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ પદયાત્રાની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની કે રાષ્ટ્રના અન્ય મહાપુરુષો અને લડવૈયાઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાશે. વિવિધતામાં એકતાના સંદેશ સાથે તમામ સ્થળોએ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, સામજિક સંસ્થાઓ, વિવિધ NGO, વિશિષ્ટ વ્યક્તિઓ અને વિશેષ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. રૂટમાં વિવિધ સ્થાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
- યાત્રાનો બીજો ભાગ સંવિધાન દિવસ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન કરમસદથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાશે. અંદાજિત 152 કિમીની આ 11 દિવસની પદયાત્રામા ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પણ વિવિધ જિલ્લાઓમાંથી દરરોજ 400 થી 500 યુવાનો જોડાશે. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય સંગઠનને પણ આમંત્રિત કરાશે. સાદગી અને સ્વચ્છતા સાથે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને દિવ્ય કાર્યક્રમ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે.
આ પણ વાંચો:
- અમરેલીમાં 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોએ પહેલા જ દિવસે કેમ હોબાળો કર્યો?
- પ્રેમનો ખતરનાક અંજામ: કોસંબા મર્ડર કેસનું રિ-કન્સ્ટ્રક્શન, હત્યારાના મનમાં કેવી રીતે આવ્યો 'બેગ' પ્લાન?
- તાપીના ઉચ્છલની નવનિર્મિત કોર્ટના બિલ્ડિંગનું ઉદ્ઘાટન, 15 નવેમ્બરે ડેડિયાપાડામાં વિશાળ કાર્યક્રમ, PM ઉપસ્થિત રહેશે

