ETV Bharat / state

ઠાકોર-કોળી સમાજના નિગમમાં ફાળવેલ બજેટની 50 ટકા જેટલી રકમ વપરાયા વગરની, જુઓ બીજા વિભાગોની સ્થિતિ

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ આંકડા રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 6:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતના વિવિધ વિકાસ બોર્ડ અને નિગમોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કરોડો રૂપિયાની ફાળવણી છતાં નોંધપાત્ર રકમ વણ વપરાયેલી રહી હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ આંકડા રજૂ કર્યા હતા. ખાસ કરીને ઠાકોર-કોળી સમાજના નિગમમાં અંદાજિત 50% જેટલી રકમ એક વર્ષમાં વપરાયા વિના રહી હોવાની વિગતો ચર્ચામાં આવી છે.

  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં વર્ષ 2024 દરમિયાન 26.60 કરોડ ફાળવાયા હતા, જેમાંથી 89 લાખ વપરાયા નહીં. વર્ષ 2025માં 28.78 કરોડની ફાળવણી સામે 5.48 કરોડ અનસ્પેન્ટ રહ્યા.
  • ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં 2024માં 11.50 કરોડ ફાળવાયા હતા, જેમાંથી 6.31 કરોડ ખર્ચાયા નહીં. જ્યારે 2025માં 11.86 કરોડ ફાળવણી સામે 17.02 કરોડ ખર્ચ દર્શાવાયો છે, એટલે વધારાનો ખર્ચ નોંધાયો.
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં 2024માં 76.50 કરોડ ફાળવાયા હતા, જેમાંથી 21.43 કરોડ વપરાયા નહીં. 2025માં 46.30 કરોડમાંથી 4.94 કરોડ અનસ્પેન્ટ રહ્યા.
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં 2024માં 576.93 કરોડની ફાળવણી સામે 657.11 કરોડ ખર્ચાયા હતા, એટલે વધારાનો ખર્ચ નોંધાયો. પરંતુ 2025માં 442.16 કરોડમાંથી 46.12 કરોડ વપરાયા નહીં.
  • ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ માં 2024માં 22.80 કરોડમાંથી 9.13 કરોડ અનસ્પેન્ટ રહ્યા, જ્યારે 2025માં 18.26 કરોડમાંથી 8.17 કરોડ વપરાયા નહીં.
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ માં 2024માં 41 કરોડમાંથી 14.50 કરોડ અનસ્પેન્ટ રહ્યા. 2025માં 48.19 કરોડ ફાળવણી સામે 52.11 કરોડ ખર્ચ દર્શાવ્યો છે.
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ના આંકડા ખાસ ધ્યાન ખેંચે છે. 2024માં 89.13 કરોડમાંથી 51.73 કરોડ વપરાયા નહીં. 2025માં 101.79 કરોડમાંથી 22.32 કરોડ અનસ્પેન્ટ રહ્યા, એટલે એક વર્ષમાં અંદાજે અડધી રકમ વપરાઈ નહીં.
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ માં 2024માં ફાળવણી કરતાં વધારે 21.15 કરોડ ખર્ચ નોંધાયો, જ્યારે 2025માં 13.18 કરોડમાંથી 65 લાખ વપરાયા નહીં.
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ માં 2024માં 23.44 કરોડમાંથી 11.90 કરોડ અનસ્પેન્ટ રહ્યા, જ્યારે 2025માં ફાળવણી કરતાં વધુ ખર્ચ નોંધાયો.
  • ગુજરાત દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ માં 2024માં 6.84 કરોડમાંથી 3.10 કરોડ વપરાયા નહીં. 2025માં 3.85 કરોડમાંથી 3.35 કરોડ અનસ્પેન્ટ રહ્યા એટલે મોટાભાગની રકમ ખર્ચાઈ નથી.

આ આંકડાઓ સામે વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે સમાજના પછાત અને વંચિત વર્ગો માટે યોજનાઓ ઘડાય છે, ત્યારે ફાળવેલી રકમ સમયસર અને સંપૂર્ણ રીતે કેમ ખર્ચાતી નથી? બીજી તરફ, કેટલાક નિગમોમાં ફાળવણી કરતાં વધુ ખર્ચ પણ નોંધાયો છે, જે નાણાકીય આયોજન અંગે પ્રશ્નો ઊભા કરે છે.

સરકારે પોતાના જવાબમાં જણાવ્યું છે કે, કેટલીક યોજનાઓમાં ટેકનિકલ, વહીવટી અથવા લાભાર્થીઓની અછતને કારણે ખર્ચ સંપૂર્ણ થઈ શક્યો નથી. તેમ છતાં, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ વિકાસ યોજનાઓની અમલીકરણ ક્ષમતા અંગે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: