છોટાઉદેપુરના ક્વાંટમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઇ, 62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સીંગલદા ગામમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઇ

Published : January 5, 2026 at 12:03 PM IST
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરમાં લીલા ગાંજાની ખેતી ઝડપાઇ છે. ક્વાંટના સીગલદા ગામમાં ખેતરમાં કપાસની આડમાં લીલા ગાંજાના છોડ મળી આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
છોટા ઉદેપુરમાંથી 62 લાખનો ગાંજો ઝડપાયો
બનાવની વિગત જોઇએ તો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સીંગલદા ગામના ખેડૂત ભગુભાઇ બુઠીયાભાઇ રાઠવાએ ખેતરમાં કપાસના પાકની ખેતીની આડમાં ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી SOG પોલીસને મળી હતી. બાતમી હકીકતના આધારે SOGની ટીમે ખેતરમાં તપાસ કરતા કપાસની આડમાં 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ખેતરમાંથી 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત 62.39 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત ગાંજાનું બીજ ક્યાથી લાવ્યો હતો, ગાંજો કોને અને ક્યા સપ્લાય કરવામાં આવતો હતો , તેની સાથે કોણ કોણ જોડાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
"ક્વાંટના સિંગલદા ગામના ખેડૂત ભગુભાઇ રાઠવાએ કપાસની આડમાં જુદી જુદી જગ્યાએ ગાંજાના છોડ ઉગાડ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તપાસ કરતા ખેતરમાંથી 151 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા,જેની બજાર કિંમત 62.39 લાખ જેટલી થાય છે. આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે." એમ.એચ.જાદવ, PSI,એસઓજી
આ પણ વાંચો:

