ગલ્ફમાં ફસાયેલા ગુજરાતીઓની વતન વાપસી માટે સરકાર પગલાં લે: શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે

Published : March 1, 2026 at 8:32 PM IST
અમદાવાદ: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ અને હુમલાઓની ઘટનાઓને કારણે ગલ્ફ દેશોમાં વસતા ગુજરાતી પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ છે. અમેરિકાની સંડોવણીના અહેવાલો બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું કહેવાઈ રહ્યું છે. અબુધાબી, દુબઇ, બહેરીન, કતાર સહિતના વિસ્તારોમાં રહેતા ગુજરાતી સમુદાયની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. તેમની જાનમાલની સુરક્ષા, રોજગાર અને વ્યવસાયના રક્ષણ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે પૂરતી અને તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. જો કોઈ ગુજરાતી વતન પરત ફરવા ઈચ્છે તો તેમને સુરક્ષિત રીતે અને નિઃશુલ્ક ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.
ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ + અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) March 1, 2026
ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી… pic.twitter.com/G7bu15XM68
તેમણે જણાવ્યું કે, અમેરિકા અને અન્ય દેશોમાં જતા કેટલાક ગુજરાતીઓ ગલ્ફ દેશોના વિમાનમથકો પર અટવાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હીનાબેન પટેલ અમેરિકા જતાં હતા, પરંતુ કુવૈતમાં અટવાયા હોવાનું તેમના પરિવારે જણાવ્યું છે. ઉમરા માટે ગયેલા અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના વિમાનમથક પર અટવાયા હોવાની પણ માહિતી મળી છે. તેમની મુશ્કેલીઓ દર્શાવતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. જ્યાં સુધી નાગરિકોને વતન પરત લાવી શકાય નહીં, ત્યાં સુધી ભારતીય દૂતાવાસોએ તેમના માટે રહેઠાણ અને ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
તેમણે આગળ જણાવ્યું કે, ગલ્ફ દેશોમાં વસતા ગુજરાતી સમુદાયની સુરક્ષા અંગે હજુ સુધી ઉચ્ચ સ્તરે સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી, જે ચિંતાજનક બાબત છે. સતત હુમલાઓના અહેવાલો વચ્ચે સરકાર તરફથી વિશ્વાસ આપતી જાહેરાત આવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
ગુજરાત દરિયાકાંઠાનું રાજ્ય હોવાથી ગલ્ફ દેશો સાથે સદીઓ જૂના વેપારિક સંબંધો ધરાવે છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરમાંથી દરરોજ અનેક જહાજો માલવહન માટે ગલ્ફ દેશોમાં જતા હોય છે. હાલની પરિસ્થિતિને કારણે વેપાર અને રોજગારમાં અવરોધ ન આવે તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે જરૂરી સહાય અને સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.હવે નજર રહેશે કે સરકાર આ મુદ્દે કેટલા ઝડપી અને અસરકારક પગલાં લે છે.
આ પણ વાંચો:

