ETV Bharat / state

મોટેરા આશારામ આશ્રમની જમીન પર સરકારનો કબજો? હાઇકોર્ટમાં સુનાવણી બાદ ચુકાદો અનામત

કલેક્ટરની તપાસમાં બહાર આવ્યું હતું કે, આશ્રમ દ્વારા સમયાંતરે આસપાસની જમીન પર પૂર્વ મંજૂરી વિના બાંધકામ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 9:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: રાજ્ય સરકારે મોટેરા સ્થિત વિવાદિત આશારામ આશ્રમને આશ્રમશાળા અને બિન-નફાકારક હેતુસર નિર્ધારિત શરતો સાથે જમીન ફાળવી હતી. જમીન ફાળવણી સમયે સ્પષ્ટ શરત મુકવામાં આવી હતી કે કોઈપણ પ્રકારનું નફાકારક પ્રવૃત્તિ હાથ ધરવી નહીં અને કોઈપણ બાંધકામ કરતાં પહેલાં સત્તાવાળાઓની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

પરંતુ કલેક્ટરની તપાસમાં બહાર આવ્યું હતું કે, આશ્રમ દ્વારા સમયાંતરે આસપાસની જમીન પર પૂર્વ મંજૂરી વિના બાંધકામ કરવામાં આવ્યું હતું. સાથે જ, આશ્રમ પરિસરમાં વિવિધ વસ્તુઓનું વેચાણ થતું હોવાનું પણ નોંધાયું હતું, જે જમીન ફાળવણીની “બિન-નફાકારક હેતુ” શરતનો ભંગ ગણાયો હતો.

કલેક્ટરે નોંધ્યું હતું કે, શરૂઆતમાં મંજૂરી લીધા વિના થયેલા બાંધકામને બાદમાં રેગ્યુલરાઇઝેશન ફી ભરી અધિકૃત કરાવવામાં આવતું રહ્યું, પરંતુ મૂળ શરતોનું ઉલ્લંઘન થયેલ હોવાથી અંતે 33 હજાર સ્ક્વેર મીટર જેટલી જમીન પરત લેવા નિર્ણય લેવાયો.

આ નિર્ણયને આશ્રમ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સિંગલ જજએ કલેક્ટરના આદેશને યોગ્ય ગણાવ્યો હતો. ત્યારબાદ આશ્રમ દ્વારા ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી.

ડિવિઝન બેન્ચ સમક્ષ લંબાણપૂર્વક દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સાથે જ, અંતિમ નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આશ્રમ વિરુદ્ધ કોઈ નકારાત્મક અથવા દબાણાત્મક પગલાં નહીં લેવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

હવે સૌની નજર હાઇકોર્ટના અંતિમ ચુકાદા પર છે, જે નક્કી કરશે કે શરતોના ભંગ બદલ જમીન પરત લેવામાં સરકારનો નિર્ણય કાયદેસર છે કે નહીં.

આ પણ વાંચો: