બે વર્ષમાં 75 સરકારી પ્રાથમિક શાળાઓ થઇ બંધ, વિધાનસભામાં સરકારનો સ્વીકાર, આપ્યા આ કારણો
આ મુદ્દો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલ પર સામે આવ્યો હતો.

Published : February 26, 2026 at 8:04 PM IST
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 75 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતા સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
આ મુદ્દો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલ પર સામે આવ્યો હતો. તેમના પ્રશ્નના જવાબમાં શિક્ષણ વિભાગે જણાવ્યું કે, કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા સતત ઘટતી જતી હતી અથવા સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે આ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો.
સરકારના જવાબ અનુસાર, જ્યાં શાળાઓ બંધ કરવામાં આવી છે ત્યાં જો કોઈ વિદ્યાર્થી બાકી હોય તો તેમને નજીકની સરકારી શાળામાં દાખલ કરવામાં આવે છે. સાથે જ, જરૂરિયાત હોય ત્યાં પરિવહન સુવિધા (ટ્રાન્સપોર્ટેશન) પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે.
વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ બંધ થવાથી નાના બાળકોને દૂર સુધી જવું પડે છે, જેનાથી શિક્ષણ પર નકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે નજીકમાં શાળા હોવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિધાર્થી સંખ્યાઓ ઘટવાનું મુખ્ય કારણ સ્થળાંતર, ખાનગી શાળાઓ તરફ વળતર અને ગામડાંઓમાં વસ્તી ઘટાડો હોઈ શકે છે. તેમ છતાં, તેઓ કહે છે કે શાળા બંધ કરતા પહેલા સ્થાનિક પરિસ્થિતિ અને બાળકોની સુલભતા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
હાલમાં સરકારનો દાવો છે કે, કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય શિક્ષણના માળખાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો:

