થર્ટી ફર્સ્ટને લઈ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં, દીવ સરહદ સહિત સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે, દીવ સરહદ સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

Published : December 31, 2025 at 11:03 AM IST
|Updated : December 31, 2025 at 1:18 PM IST
ગીરસોમનાથ: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલ જિલ્લામાં 2 મુખ્ય ચેકપોસ્ટ, 12 વાહન ચેકિંગ પોઈન્ટ્સ કાર્યરત છે, જ્યારે LCB અને SOGની 22 ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરી રહી છે. પોલીસની આ સખ્ત કાર્યવાહીથી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ અને સલામત રીતે પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરહદ સાથે જોડાયેલો હોવાથી દારૂની હેરાફેરી અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના બનાવોની સંભાવનાને ધ્યાનમાં રાખી તમામ મુખ્ય હાઈવે, રાજ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર વિશેષ ચેકપોસ્ટ ઉભી કરી વાહનોની સઘન તપાસ ચાલી રહી છે.

"પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને અકસ્માતો કે ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાનો છે." નશામાં ધૂત થઈ શાંતિ ભંગ કરનારા તત્વોને ચેતવણી આપતા તેમણે ઉમેર્યું હતું કે,“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો ઉજવણીના ઉન્માદમાં કોઈ નિર્દોષ નાગરિકોને હેરાન કરશે અથવા કાયદાનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે.” - જયદીપસિંહ જાડેજા, SP, ગીરસોમનાથ
છેલ્લા 15 દિવસમાં ગીરસોમનાથ પોલીસની કાર્યવાહી

પ્રોહિબિશન: 408 ગુના નોંધાયા
ડ્રિંક એન્ડ ડ્રાઈવ: કલમ 185 હેઠળ 207 કેસ
જાહેરનામા ભંગ: હોટેલ-ધાબા-ફાર્મહાઉસ ચેકિંગ દરમિયાન 10 કેસ

