સોમનાથ દાદાના દર્શને PM મોદી આવે તેવી શક્યતા, ગીરસોમનાથ જિલ્લાનું તંત્ર લાગ્યું કામે
આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહેલા પીએમ મોદી રાજકોટ વાઇબ્રન્ટ સમિટ બાદ સોમનાથ દાદાના દર્શને આવે તેવી પ્રબળ શક્યતા છે.

Published : January 5, 2026 at 10:50 AM IST
ગીરસોમનાથ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંભવિત મુલાકાતને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
પીએમ મોદીના આ પ્રવાસનું વિશેષ મહત્વ એ પણ છે કે ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર કરાયેલા આક્રમણને વર્ષ 2026માં એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખીને સોમનાથ ખાતે એક ભવ્ય અને પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાવાની યોજના તૈયાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિમિત્તે રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 1000 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર, આત્મગૌરવ અને અસ્મિતાની ગાથાને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને વિશેષ ગતિ મળી છે. હાલ મંદિર આસપાસની જમીન સંપાદનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કોરિડોર પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરે તેમજ નવા વિકાસ પ્રકલ્પોની જાહેરાત કરે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને બેઠકો યોજાઈ રહી છે. જાહેરસભા માટે શહેરના ‘સદભાવના ગ્રાઉન્ડ’ ખાતે તંત્ર દ્વારા પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત હેલિપેડ, મંદિર પરિસર અને સંભવિત સભાસ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
હાલ સુધી પ્રધાનમંત્રી મોદીના સોમનાથ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર પ્રોટોકોલ જાહેર થયો નથી, પરંતુ વહીવટીતંત્રની સક્રિયતા અને તૈયારીઓ જોતા સોમનાથમાં એક ભવ્ય, ઐતિહાસિક અને સ્મરણિય કાર્યક્રમનું આયોજન થવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

