પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સાબરમતી-કલોલ-મહેસાણા સેક્શનનું નિરીક્ષણ: રેલ સુવિધા અને સુરક્ષાની સમીક્ષા
આંબલિયાસણ-વિજાપુર: આ સેક્શનમાં ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને CRS નિરીક્ષણ પણ થઈ ગયું છે. રિપોર્ટ મળતા જ અહીં નવી ટ્રેનો શરૂ કરાશે.

Published : January 7, 2026 at 7:30 PM IST
મહેસાણા: પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ આજે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સાબરમતી-કલોલ-મહેસાણા રેલ ખંડનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેમણે રેલ સુરક્ષા, સ્ટેશન પુનઃવિકાસ અને આગામી પ્રોજેક્ટ્સ અંગે મહત્વની વિગતો આપી હતી.
સુરક્ષા માપદંડોની ઝીણવટભરી તપાસ
નિરીક્ષણ દરમિયાન સાબરમતીથી પાલનપુર વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, નાના-મોટા પુલ, પોઈન્ટ્સ અને ક્રોસિંગ તેમજ સેક્શન કર્વ્સની તપાસ કરવામાં આવી હતી. જીએમ દ્વારા ડાંગરવા સ્ટેશન યાર્ડ અને ખારી નદી પરના મેજર બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું હતું. તેમણે ગેંગમેન સાથે સંવાદ કરી તેમની સુરક્ષાના સાધનો જેવા કે સેફ્ટી શૂઝ અને જેકેટની ઉપલબ્ધતા અંગે પૂછપરછ કરી હતી.
અમૃત ભારત સ્ટેશન યોજના અને મહેસાણા
'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ મહેસાણા અને કલોલ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસાણામાં આરપીએફ પોસ્ટ, આરઆરઆઈ રૂમ, રેલવે હેલ્થ યુનિટ અને રેલવે કોલોનીની સુવિધાઓનું પણ જીએમએ અવલોકન કર્યું હતું.
નવી રેલ સેવાઓ અને લાઈન ડબલિંગ
મીડિયા સાથે વાતચીત કરતા શ્રી વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે,
આંબલિયાસણ-વિજાપુર: આ સેક્શનમાં ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને CRS નિરીક્ષણ પણ થઈ ગયું છે. રિપોર્ટ મળતા જ અહીં નવી ટ્રેનો શરૂ કરાશે.
મહેસાણા-પાલનપુર: રેલવે લાઈન ડબલિંગનું કામ પૂર્ણ થવાથી ટ્રેનોની સંચાલન ક્ષમતામાં વધારો થયો છે.
બેચરાજી-રણુજ: આ લાઈન પર ટૂંક સમયમાં CRS નિરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ રેલ વ્યવહાર શરૂ થશે.
આગામી 5 વર્ષનો રોડમેપ
રેલવેની ક્ષમતા વધારવા અંગે તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષમાં મુખ્ય શહેરો માટે ટ્રેનોની સંખ્યા અત્યાર કરતા લગભગ બમણી કરવાનું આયોજન છે. હાલ પશ્ચિમ રેલવેમાં 256 ટ્રેનો ચાલે છે, જે વધારીને 450 સુધી લઈ જવાનું લક્ષ્ય છે. અમદાવાદ અને સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મનું કામ માર્ચ-એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જેનાથી વધુ ટ્રેનોના સ્ટોપેજ આપી શકાશે.
આ પણ વાંચો:

