અમદાવાદ મંડળના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
42.32 કિ.મી. લાંબો સેક્શન હવે બ્રૉડ ગેજમાં રૂપાંતરિત, 16 અને 17 ઓક્ટોબર 2025 ના રોજ થશે સંરક્ષા નિરીક્ષણ

Published : October 15, 2025 at 7:09 PM IST
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શન (42.32 કિ.મી) નું ગેજ રૂપાંતરણ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હવે આ સેક્શન મીટર ગેજથી બ્રૉડ ગેજમાં રૂપાંતરિત થઈને યાત્રીઓ માટે આધુનિક અને સુરક્ષિત પરિચાલન માટે તૈયાર છે. આ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ (Safety Inspection) રેલવે સંરક્ષા કમીશનર (CRS), પશ્ચિમ રેલવે દ્વારા 16 અને 17 ઓક્ટોબર 2025 ના રોજ કરવામાં આવશે, જેમાં 16 અને 17 ઓક્ટોબર ના રોજ મોટર ટ્રૉલી નિરીક્ષણ તથા 17 ઓક્ટોબર ના રોજ એન્જિન સ્પીડ ટ્રાયલ 120 કિ.મી/કલાકની ગતિથી કરવામાં આવશે.
આ પરિયોજનાને વર્ષ 2022-23 માં મંજૂરી મળી હતી. આ પરિયોજનાને 16 મે 2022 ના રોજ ₹415.37 કરોજની અંદાજિત પડતરથી મંજૂરી આપવામાં આવી હતી. આ સેક્શનમાં 02 મેજર બ્રિજ, 51 માઈનોર બ્રિજ અને 45 નવા રોડ અંડર બ્રિજ (RUBs) નું બાંધકામ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં રેલવે લાઈનને લેવલ ક્રોસિંગ પાસે ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે અને આ માર્ગ પર કુલ 04 લેવલ ક્રોસિંગ્સ છે.

આ બ્રૉડ ગેજ લાઈનમાં 60 કિ.ગ્રાના નવા રેલવે પેનલ પાથરવામાં આવ્યા છે. આંબલિયાસણ અને વિજાપુર સ્ટેશનોને સ્ટાન્ડર્ડ-II ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને મલ્ટીપલ એસ્પેક્ટ કલર લાઈટ સિગ્નલિંગ (MACLS) ની સાથે આધુનિક સુરક્ષા ઉપાયોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે, જેનાથી ટ્રેનોના સંચાલનની સુરક્ષા અને કુશળતામાં નોંધપાત્ર સુધારો થશે. આ નવા બ્રૉડ ગેજ મારફતે યાત્રીઓને હવે દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરોથી પ્રત્યક્ષ કનેક્ટિવિટી મળશે, જેનાથી યાત્રા વધુ સુવિધાજનક, ઝડપી અને સુગમ હશે.
આ ગેજ રૂપાંતરણ પરિયોજનાથી યાત્રીઓને હવે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક રેલવે યાત્રા ઉપલબ્ધ થશે. આ માર્ગથી ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને ઔદ્યોગિક ક્ષેત્રોંમાં ઉત્તમ રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે, જેનાથી યાત્રીઓનો યાત્રા સમય ઓછો થશે અને સુવિધામાં સુધારો થશે. સાથે જ, ક્ષેત્રીય વેપાર અને કૃખિને પણ પ્રોત્સાહન મળશે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થશે. આ પરિયોજનાના બાંધકામ અને સંચાલન મારફતે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષરૂપે રોજગારને નવા અવસરોનું સર્જન થશે અને સમગ્ર ક્ષેત્રનો સામાજિક અને આર્થિક વિકાસ પણ થશે. નવા બ્રૉડ ગેજ કનેક્શનથી ભવિષ્યમાં નવી યાત્રી અને માલગાડીઓના સંચાલનની સંભાવનાઓ પણ વધશે.
પશ્ચિમ રેલવેના આ પરિયોજના યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને ક્ષેત્રીય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયા પછી વહેલાંસર આ માર્ગ પર ટ્રેનોનું પરિચાલન આરંભ કરી દેવામાં આવશે, જેનાથી યાત્રીઓને આધુનિક, ઝડપી અને સુરક્ષિત રેલવે યાત્રાનો લાભ મળશે.
આ પણ વાંચો:

