નવસારીના વાંસદામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના, પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ
નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ વાંસદા તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે.

Published : January 9, 2026 at 10:12 PM IST
નવસારી: જિલ્લાના આદિવાસી બાહુલ વાંસદા તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. તાલુકાના એક ગામની માત્ર 14 વર્ષની સગીર બાળકી સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને ચકચાર ફેલાવી છે. ઘર આંગણામાંથી અપહરણ કરી સગીરાને હવસનો ભોગ બનાવવામાં આવ્યો હોવાની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંસદા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા 7 જાન્યુઆરી, 2026ની રાત્રે પોતાના ઘર બહાર શૌચક્રિયા માટે નીકળી હતી. તે સમયે ત્રણ અજાણ્યા યુવકોએ તેનું મોં દબાવી તેને બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. બાદમાં એક આરોપીએ પોતાના સાથીને ફોન કરી કાર મંગાવી હતી.
અપહરણ બાદ સગીરાને ગામ નજીક આવેલા ચેકડેમ પાસે લઈ જવાઈ હતી, જ્યાં અન્ય યુવકો હાજર હતા. ત્યારબાદ સગીરાને કારમાં બેસાડી પીપલખેડ ગામ તરફ લઈ જવાઈ હતી. ત્યાં પાણીની ટાંકી નજીક આવેલા એક સુમસાન અને બંધ રૂમમાં લઈ જઈ આઠેય આરોપીઓએ સગીરાને ગંભીર રીતે ધમકાવી હતી. ભયભીત બનેલી સગીરા આરોપીઓની હિંસક હરકતોનો શિકાર બની હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ સગીરાને ત્યાં જ છોડી ફરાર થઈ ગયા હતા. ભય અને શારીરિક પીડા છતાં સગીરાએ હિંમત દાખવી અને પગપાળા ચાલતી ચાલતી વહેલી સવારે પોતાના ઘરે પહોંચી હતી. ઘર બંધ હોવાથી તે ઘરની બહાર જ રહી ગઈ હતી.

સવાર થતા તેણે સમગ્ર ઘટના પોતાના પિતાને જણાવી હતી. પરિવારજનો દ્વારા ગામના સરપંચ અને સંબંધીઓને જાણ કર્યા બાદ આખરે પીડિતાની માતાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોસ્કો એક્ટ તેમજ સામૂહિક દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોતા વાંસદા પોલીસ સાથે નવસારી LCB પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. ઝડપી કાર્યવાહી કરતા પોલીસે તમામ આઠ આરોપીઓની ઓળખ કરી હતી, જેમાં એક સગીર સહિત નિખિલ, પિયુષ, ઉદય, સાહિલ, રવિન્દ્ર, આકાશ અને રાહુલની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
નવસારીના ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, વાંસદા ખાતે એક સગીર બાળકીના 3 સગીર પુરુષ મિત્રો હતા. આ પુરુષ મિત્રો તેને વાલીપરા વિસ્તારમાંથી લઈ ગયા હતા અને અન્ય મિત્રોએ સાથે રહીને શરીર સંબંધ મરજી વિરુદ્ધ બાંધ્યા હતા. બધા જ આરોપીઓને નવસારી LCB અને વાંસદા પોલીસની ટીમે સાથે રહીને ધરપકડ કરી છે. સગીરાની વાલીની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં દુષ્કર્મ અને અન્ય કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્થાનિક ચર્ચા મુજબ, આરોપીઓ ખોટી સંગત અને નશાની આદતના શિકાર હતા. પરિવારજનો પણ તેમની વર્તણૂકથી કંટાળ્યા હોવાની ચર્ચા છે. આ ઘટના સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. ખાસ કરીને વાલીઓએ રાત્રિના સમયે નાની બાળકીઓની સુરક્ષા પ્રત્યે વધુ સચેત રહેવાની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો:

