ETV Bharat / state

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા પોલીસની કામગીરીને લઇને આક્ષેપ, મેવાણી સહિતના નેતાઓએ નોંધાવ્યો વિરોધ

પોલીસ દારૂ અને ગાંજાના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવાને બદલે કોંગ્રેસના ઉમેદવારો સામે કાર્યવાહી કરી રહી છે- જીગ્નેશ મેવાણી

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા પોલીસની કામગીરીને લઇને આક્ષેપ
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા પોલીસની કામગીરીને લઇને આક્ષેપ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 9, 2026 at 6:15 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં પોલીસની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ પરમારને અરજીના સંદર્ભમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોલાવીને બેસાડી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચી ગયા હતા જેના કારણે થોડા સમય માટે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ યુનુસભાઈ પરમારના સમર્થનમાં પહોંચ્યા હતા.

જીગ્નેશ મેવાણીના પોલીસ અધિકારીઓ સામે આકરા પ્રહાર

પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કેટલાક IPS અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના કેટલાક IPS અધિકારીઓ ભાજપની ચાપલૂસી અને દલાલીમાં વ્યસ્ત છે. રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ કામ કરતા હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો અને તેમના પરિવારોને છેલ્લા 72 કલાકથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા પોલીસની કામગીરીને લઇને આક્ષેપ (ETV Bharat Gujarat)

મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દારૂ અને ગાંજાના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવાને બદલે કોંગ્રેસના ઉમેદવારો સામે કાર્યવાહી કરી રહી છે. વોર્ડ નંબર-4ના ઉમેદવાર યુનુસ પરમારને પેથાપુર પોલીસે ગેરકાયદેસર રીતે અટકમાં લીધા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસ મથકે પહોંચ્યા બાદ યુનુસ પરમારને છોડી દેવામાં આવ્યા હોવાનો મેવાણીએ દાવો કર્યો હતો.

વોર્ડ-7ના ઉમેદવાર ફેનીલ પટેલના પણ આક્ષેપ

આ તરફ વોર્ડ નંબર-7ના કોંગ્રેસના ઉમેદવાર ફેનીલ પટેલે પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમના ગામના એક આગેવાનની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીના સમયે પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, પોલીસ તરફથી આ મામલે અલગ સ્પષ્ટતા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તે બુટલેગર છે અને તેની સામેની કાર્યવાહી આ કારણોસર કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં સર્જાયેલી આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસે પોલીસની કામગીરીને રાજકીય દબાણ સાથે જોડીને સવાલો ઉઠાવ્યા છે, જ્યારે પોલીસની રજૂઆત મુજબ કાર્યવાહી ગુનાહિત પ્રવૃત્તિના આધારે કરવામાં આવી છે. ચૂંટણીના અંતિમ કલાકોમાં આ મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ પણ વાંચો: