ETV Bharat / state

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, કોંગ્રેસે ઉઠાવ્યા 10 સવાલ, ભાજપે કહ્યું, 'ફેક ફેક્ટરી' થી રહેજો સાવધાન

ગાંધીનગર મનપાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ રાજનીતિ તેજ
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ રાજનીતિ તેજ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 7, 2026 at 7:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યો છે. રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. મતદાન પહેલાના દિવસોમાં રાજકીય આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઈ છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ લગાવી રહ્યા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં બેનર વિવાદ બાદ હવે પાટનગરની સ્થાનિક સમસ્યાઓ, મનપાના વિકાસ કામો ચૂંટણીના કેન્દ્ર સ્થાને આવ્યા છૈ. ગાંધીનગર કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને છેલ્લા 10 વર્ષમાં ભાજપે કરેલા કામો પર સવાલ ઉઠાવ્યા છે.

મતદાન પહેલા રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે (Etv Bharat Gujarat)

10 સવાલો સાથે કોંગ્રેસનું 'તહોમતનામું-ચાર્જશીટ'

પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને કોંગ્રેસના નેતા ડૉ. જીતુ પટેલે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના 10 વર્ષના શાસન દરમિયાન કરોડો રૂપિયાનું બજેટ અને ગ્રાન્ટ હોવા છતાં નાગરિકોને અપેક્ષિત સુવિધાઓ મળી નથી. કોંગ્રેસે મનપાના આશરે 1903 કરોડ રૂપિયાના બજેટ સામે શહેરમાં કઈ મોટી સુવિધાઓ ઊભી કરવામાં આવી તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ કરોડો રૂપિયાની ગ્રાન્ટના ઉપયોગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર મનપામાં ભાજપના શાસનકાર્ય દરમિયાન થયેલા વિકાસકાર્યો પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે, 257 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની લાઈનો નાખવામાં આવી હોવા છતાં ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. પાણીના પુરવઠા અને ગુણવત્તાને લઈને પણ કોંગ્રેસે મનપાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

પાટનગરના રસ્તા અને ડ્રેનેજની સમસ્યાને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં રસ્તા અને ડ્રેનેજની વિકટ સમસ્યાઓ છે. સામાન્ય વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ભાજપના 10 વર્ષના શાસન દરમિયાન થયેલા વિકાસકાર્યો, બજેટની જોગવાઈ, ગ્રાન્ટના ઉપયોગ, પાણી, રસ્તા, ડ્રેનેજ, રોજગારી અને જાહેર પરિવહન સહિતના મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસે જવાબ માગ્યો છે.

ચૂંટણી ટાણે જ શરૂ થાય છે કોંગ્રેસની 'ફેક ફેક્ટરી': ભાજપ

કોંગ્રેસે કરેલા 10 સવાલોનો જવાબ આપતા ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવેએ કહ્યું કે, ગાંધીનગરના તમામ 11 વોર્ડમાં જનતાનો અભૂતપૂર્વ આવકાર અને ભાજપ પ્રત્યેનું સમર્થન જોવા મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણી ટાણે કોંગ્રેસની 'ફેક ફેક્ટરી' ફરી સક્રિય થઈ છે. પાટનગર વધુ સુંદર, સુવિધાજનક અને આધુનિક બન્યું છે અને તેના વિકાસ માટે કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા ડૉ. આશિષ દવેએ કહ્યું કે, પાંચ વર્ષ ગાયબ રહેલા કોંગ્રેસીઓ વરસાદી દેડકાની જેમ બહાર આવી ગયા છે. કોંગ્રેસને જનતા સાથે કોઈ લેવાદેવા નથી અને માત્ર મતમાં જ રસ છે. તેમણે એમ પણ કહ્યું કે, ગાંધીનગરની જનતા વિવાદ નહીં પરંતુ વિકાસ ઈચ્છે છે. કોંગ્રેસને ગુજરાતનો વિકાસ ક્યારેય દેખાયો નથી અને આ ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થશે, જ્યારે જનતાના આશીર્વાદથી ભાજપનો ઐતિહાસિક વિજય નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ