ETV Bharat / state

ગાંધીનગર મનપા ચૂંટણીઃ AAPને મોટો ઝટકો, વોર્ડ નંબર 7ના ઉમેદવારે ભાજપને જાહેર કર્યો ટેકો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના આપના ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે.

વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટને મોટો ઝટકો લાગ્યો છે
વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટને મોટો ઝટકો લાગ્યો છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 5, 2026 at 7:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થયા બાદ હવે વોર્ડ નંબર 7ના ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કરી દેતા AAPને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન આપીને કેસરિયો ધારણ કરી લીધો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પ્રચાર અભિયાન પૂરજોશમાં ચલાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર વચ્ચે હવે તોડજોડની રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

વોર્ડ નંબર 7ના આપના ઉમેદવાર રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. (Etv Bharat Gujarat)

મહત્વનું છેકે, ગઈકાલે રાત્રે રાહુલ વાઘેલાએ ભાજપના ઉમેદવાર સોનલબા વાઘેલાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ, તેમણે ભાજપ માટે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. રાહુલ વાઘેલા અગાઉ વોર્ડ નંબર-7માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. હવે તેમણે આમ આદમી પાર્ટીને બદલે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

રાહુલ વાઘેલાએ ભાજપના વિકાસના એજન્ડા સાથે જોડાવાની વાત કરી અને ભાજપના ઉમેદવારોને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. એક સમયે આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર રહેલા રાહુલ વાઘેલા હવે ભાજપના ઉમેદવારોને મત આપવા અપીલ કરી રહ્યા છે, જેના લીધે વોર્ડ નંબરમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ પર મોટી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાહુલ વાઘેલા વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા
રાહુલ વાઘેલા વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે શરૂઆતથી જ પડકારો જોવા મળ્યા છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. બીજી તરફ બે ઉમેદવારો કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા હોવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. હવે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ વોર્ડ નંબર-7માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે.

વોર્ડ નંબર-7માં અગાઉ આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જોકે, રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે. બીજી તરફ ભાજપને એક વધારાના ઉમેદવારના સમર્થનનો રાજકીય લાભ મળ્યો છે.

11 ઓક્ટોબરે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન સુધીના દિવસોમાં હજુ કેટલી રાજકીય તોડજોડ થાય છે અને કોના સમીકરણો બદલાય છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને વોર્ડ નંબર-7માં રાહુલ વાઘેલાના ભાજપ સમર્થન બાદ તેના મતદારો પર કેટલો પ્રભાવ પડે છે તે ચૂંટણી પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ