ETV Bharat / state

ગાંધીનગર: સાયબર ઠગાઈ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ, ડિજિટલ અરેસ્ટના નામે 11 કરોડથી વધુની છેતરપિંડી

આ આરોપી અમદાવાદમાંથી પકડાયો છે અને તેની સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી દેશભરમાં 11 સાયબર ક્રાઈમના કેસ સામે આવ્યા છે.

ગાંધીનગર: સાયબર ઠગાઈ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ, ડિજિટલ અરેસ્ટના નામે 11 કરોડથી વધુની છેતરપિંડી
ગાંધીનગર: સાયબર ઠગાઈ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ, ડિજિટલ અરેસ્ટના નામે 11 કરોડથી વધુની છેતરપિંડી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 6:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: સાયબર ક્રાઈમના વધતા જતા કેસો વચ્ચે ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. TRAI કર્મચારી અને પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને વોટ્સએપ વિડીયો કોલ દ્વારા લોકોને 'ડિજિટલ અરેસ્ટ'માં મૂકીને કરોડો રૂપિયા પડાવી લેતી ગેંગના વધુ એક સભ્યને સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. આ આરોપી અમદાવાદમાંથી પકડાયો છે અને તેની સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી દેશભરમાં 11 સાયબર ક્રાઈમના કેસ સામે આવ્યા છે, જેમાં કુલ અંદાજે રૂ. 18.55 કરોડની ઠગાઈ થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગના સભ્યો વોટ્સએપ વિડીયો કોલ અને સામાન્ય કોલ દ્વારા ભોગ બનનારને સંપર્ક કરે છે. તેઓ પોતાની ઓળખ TRAI દિલ્હીના કર્મચારી અને પોલીસ અધિકારી તરીકે આપીને કહે છે કે ભોગ બનનારનો મોબાઈલ નંબર બે કલાકમાં બંધ થઈ જશે. તેઓ આધાર કાર્ડથી એક્ટિવ થયેલા મોબાઈલ નંબરનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ થયો હોવાનું જણાવીને ભોગ બનનાર વિરુદ્ધ FIR થયેલી હોવાનું કહે છે. વધુમાં, CBI, FEMA, RBI, SEBI અને RAW જેવી એજન્સીઓમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવાનું કહીને ભય પેદા કરે છે.

આરોપીઓએ ભોગ બનનારને કોઈને વાત ન કરવા, ઘરની બહાર ન નીકળવા અને તેમના જીવને જોખમ હોવાનું કહીને વિડીયો કોલમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખે છે. તેઓ ખોટા આરોપોમાં આજીવન કેદની ધમકી આપીને અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવે છે. આ કેસમાં એક જ ભોગ બનનાર પાસેથી રૂ. 11.42 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીનું નામ અશોકકુમાર નરશીભાઈ સાંખલા છે. તેણે અગાઉ અટકાયત કરાયેલા આરોપી સાથે મળીને 'વિશ્વા ગ્લોબલ ચેરીટી ટ્રસ્ટ'ના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓની વિગતો તેના માણસો દ્વારા મુંબઈ મોકલીને સાયબર સિન્ડિકેટના અન્ય આરોપીઓને આપવામાં આવી હતી. છેતરપિંડીના પૈસા આ ખાતાઓમાં જમા કરીને આરોપી પોતાનું કમિશન USDT વોલેટમાં મેળવતો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે.

પોલીસે 1930 પોર્ટલ અને સમન્વય પોર્ટલ પર આ બેંક ખાતાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે દેશભરમાં 11 સાયબર ક્રાઈમના કેસ આ ખાતાઓ સાથે જોડાયેલા છે. આમાં મહારાષ્ટ્રના મુંબઈમાં 1, તમિલનાડુના કોઈમ્બતુરમાં 1 અને તેલંગાણામાં 1 કેસ સહિત કુલ 3 અન્ય રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે. આ તમામ કેસોમાં કુલ રૂ. 18,55,01,168ની ઠગાઈ થઈ છે, જેમાંથી રૂ. 3,15,99,494 આ આરોપીના માણસો દ્વારા મુંબઈમાં મોકલાયા હતા.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે સાયબર ક્રિમિનલ્સ ઈન્ટરનેટના માધ્યમથી SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ ઉભી કરે છે. તેઓ TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીઓના અધિકારી તરીકે પોતાને રજૂ કરીને ડરાવી-ધમકાવીને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે છેતરપિંડી આચરે છે. પોલીસે નાગરિકોને આવા કોલ અને મેસેજથી સાવધાન રહેવા અને કોઈપણ શંકાસ્પદ કેસમાં તુરંત 1930 અથવા સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ ધરપકડ સાથે ગુજરાત પોલીસની સાયબર સેલની તપાસ વધુ તીવ્ર બની છે અને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયાસો ચાલુ છે. આ કેસ સાયબર ક્રાઈમના વધતા જોખમને દર્શાવે છે અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

આ પણ વાંચો: