ઉજ્જૈન ફરવા નીકળેલ વાવ થરાદના ચાર મિત્રોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત
ફરવા નીકળેલા ત્રણેય યુવકોએ વિડીયો બનાવીને instagram પર મૂક્યો તે તેમનો છેલ્લો વિડીયો બની ગયો.

Published : December 15, 2025 at 10:04 PM IST
બનાસકાંઠા: વાવ થરાદ જિલ્લાના ત્રણ યુવકો મહાકાલ દર્શને જતા ઉદયપુર નજીક અકસ્માતમાં કમકમાટી ભર્યા મોતને ભેટ્યા છે. ફરવા નીકળેલા ત્રણેય યુવકોએ વિડીયો બનાવીને instagram પર મૂક્યો તે તેમનો છેલ્લો વિડીયો બની ગયો છે. ઠાકોર સમાજના ત્રણેય યુવાનોના મોતથી પરિવાર અને સમાજ ઘેરા શોકમાં ઘરકાવ થયો છે.
વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના ઠાકોર સમાજના ચાર મિત્રો ગુજરાતથી રાજસ્થાનમાં આવેલા મહાકાલના દર્શને નીકળ્યા હતા ત્યારે ઉદયપુર નજીક ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભાભર તાલુકાના ત્રણ યુવકો સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.
મૃતકો
1) ઠાકોર અરવિંદજી વાલાજી (ગામ - મેરા, તાલુકો - ભાભર)
2) ઠાકોર વિક્રમજી બલવંતજી (ગામ - અબાસણા, તાલુકો - ભાભર)
3) ઠાકોર પ્રકાશજી રમેશજી (ગામ - ભીમબોરડી, તાલુકો - ભાભર)
મળતી માહિતી મુજબ ઉદયપુર ઉજ્જૈન હાઇવે ઉપર પિંડવાડા નજીક માર્બલના બ્લોક ભરીને જઈ રહેલ ટ્રેલર અચાનક કાબુ ગુમાવતા પલટી મારી ગયું હતું જે બાદ ટેલરમાંથી નીચે પડેલ બ્લોક ફોર્ચ્યુનર પર પડતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક પછી એક છ જેટલા વાહનો ધડાકાભેર ટકરાયા હતા જે બાદ હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.
માર્બલના બ્લોક ભરીને ટ્રેલરના બ્લોક વાહનો ઉપર પડતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એક મહિલા સહિત વાવ થરાદ જિલ્લાના ત્રણ યુવકો સાથે ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હતાં. વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના ચાર મિત્રો ઉદયપુર ઉજ્જૈન મહાકાલ મંદિરે દર્શન માટે નીકળ્યા હતા. જોકે આ ઘટનામાં ત્રણ મિત્રોના મોત થયા હતા જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. સાથે ફરવા નીકળેલા ચાર મિત્રોએ ગાડીમાં બનાવેલો વિડિયો જે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકવામાં આવ્યો છે તે હવે છેલ્લો વિડીયો બની ગયો છે.
વાયરલ વીડિયો:
અકસ્માતની ઘટના બાદ થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જોકે તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરી વાહન વ્યવહાર કાર્યરત કર્યો હતો અને રાહત તેમજ બચાવની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પરિવારજનો ઉદયપુર ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોધાવી આગળની પ્રક્રિયા શરૂ કરાવી છે, તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ મૃતદેહોને વતન લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જોકે દર્દનાક અકસ્માતમાં ઠાકોર સમાજના ત્રણેય યુવાનોના મોતના સમાચાર મળતા જ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે તો બીજી તરફ પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સમાજના ત્રણ યુવકો અકસ્માતમાં અકાળે મોતને ભેટતા સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી છે અને અકસ્માતની આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. ગુજરાતમાંથી રાજસ્થાન ઉજ્જૈન મહાકાલ દર્શને ગયેલા ચાર યુવકોમાંથી ત્રણના મોત થતા હાલ તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો:

