ETV Bharat / state

નવસારીમાં લોન અપાવવાની લાલચે ₹49.55 લાખની છેતરપિંડી: AAP નેતા સહિત બે વિરુદ્ધ ફરિયાદ

વર્ષ 2017માં તેમણે પોતાનું ઘર લેવા માટે પી.કે. કન્સલ્ટન્સીના સંચાલક અને આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી પ્રદીપ રામચરણ મિશ્રાની મદદથી લોન લીધી હતી.

નવસારીમાં લોન અપાવવાની લાલચે ₹49.55 લાખની છેતરપિંડી: AAP નેતા સહિત બે વિરુદ્ધ ફરિયાદ
નવસારીમાં લોન અપાવવાની લાલચે ₹49.55 લાખની છેતરપિંડી: AAP નેતા સહિત બે વિરુદ્ધ ફરિયાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 9:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવસારી: નવસારી શહેરમાં કન્સલ્ટન્સીના નામે લોન અપાવવાની લાલચ આપી સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય બની છે. વિજલપોર વિસ્તારમાં કેળાં વેચીને ગુજરાન ચલાવતા એક વેપારીને વિશ્વાસમાં લઈ, તેના નામે અલગ-અલગ બેંકોમાંથી કુલ ₹49.55 લાખની લોન કરાવી રકમ હડપ કરી લેવાના ગંભીર આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મિત્રતાનો વિશ્વાસ તોડી નાખ્યો

ફરિયાદી રાજીવકુમાર રામબહાદુર વર્મા (રહે. વિજલપોર) વર્ષોથી કેળાં વેચવાનો વ્યવસાય કરે છે. વર્ષ 2017માં તેમણે પોતાનું ઘર લેવા માટે પી.કે. કન્સલ્ટન્સીના સંચાલક અને આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી પ્રદીપ રામચરણ મિશ્રાની મદદથી લોન લીધી હતી. આ ઓળખાણનો લાભ લઈ પ્રદિપે પોતાના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજ ગીરીશભાઈ સોલંકી સાથે રાજીવકુમારની મુલાકાત કરાવી હતી.

“તું લોન લે, હપ્તા હું ભરીશ” કહી લાલચ આપી

વર્ષ 2023માં રાજેન્દ્ર સોલંકીએ રાજીવકુમારને એક સ્કીમ બતાવી. તેણે અમલસાડમાં બે મકાન અને નવસારી ટાવર નજીક એક મકાન રાજીવકુમારના નામે કરાવી તેના પર લોન લેવાનું સૂચન કર્યું. બદલામાં ₹9 લાખ રોકડા આપવાની અને લોનના તમામ હપ્તા પોતે ભરવાની ખાતરી આપી હતી.

રાજીવકુમારે પોતાની ઓછી આવક અંગે ચિંતા વ્યક્ત કરતાં આરોપીઓએ “બધું સેટિંગ થઈ જશે” કહી ખોટા દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરાવી દીધી હતી.

કુલ ₹49.55 લાખની લોન કરાવી રકમ હડપ

આરોપીઓએ ભેગા મળી રાજીવકુમારના નામે વિવિધ બેંકોમાંથી લોન કરાવી હતી. જેમાં અમલસાડના બે મકાન પર યુકો બેંકમાંથી ₹30 લાખ, નવસારી ટાવર નજીકના મકાન પર બેંક ઓફ બરોડામાંથી ₹13.55 લાખ અને પોતાના મકાન પર રીનોવેશન માટે ₹6 લાખની લોન લેવામાં આવી હતી. આ તમામ રકમ આરોપીઓએ જાતે ઉપયોગમાં લઈ લીધી.

શરૂઆતમાં માત્ર બે હપ્તા ભર્યા બાદ આરોપીઓએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું, જેના કારણે બેંકે અમલસાડના મકાનો સીલ કરી દીધા છે.

પૈસા માગતા જાનથી મારી નાખવાની ધમકી

જ્યારે રાજીવકુમારે લોન અને પૈસાની બાબતે ઉઘરાણી કરી, ત્યારે આરોપી રાજેન્દ્ર સોલંકીએ ઉશ્કેરાઈને કહ્યું કે “દસ્તાવેજ તારા નામે છે, તું મારું કશું બગાડી શકીશ નહીં.” સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

અનેક લોકો સાથે કરાઈ છેતરપિંડી

નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિન સરવૈયાએ જણાવ્યું છે કે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકીએ માત્ર રાજીવકુમાર જ નહીં, પરંતુ સુરેશભાઈ રબારી સાથે ₹20 લાખ, તેમજ આલોક તિવારી અને અન્ય લોકો સાથે પણ આ જ રીતે લોનના નામે છેતરપિંડી કરી છે. કુલ ઠગાઈનો આંકડો ₹69.55 લાખથી વધુ હોવાનું મનાય છે.

હાલ વિજલપોર પોલીસ મથકે પ્રદિપ મિશ્રા અને રાજેન્દ્ર સોલંકી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી બેંક ડીટેલ ને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: